સોરઠ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
- Advertisement -
સોરઠ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સવારે થી બપોર સુધી અસહ્ય બફારો જોવા મળે છે અને સાંજે ગાજવીજ અને મીની આંધી સાથે 1 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસતા અને અનેક તાલુકામાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા રસ્તાઓ બંધ થયા હતા અને ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયા હતા.
ગઈકાલ સાંજે વીજળીના કડાકા ભડકા સાથે જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ સર્જાયો હતો વરસાદી માહોલ સાથે તેજ પવન ફુંકાતા આઝાદચોક પાસે આવેલ એ.જી. સ્કૂલની દીવાલ પાસેનું એક એક વૃક્ષ ધરાશાયી થયું હતું અને રસ્તા પર પડતા થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો જો કે, તેને તુરંત હટાવી દેવામાં આવ્યું હતું. જયારે મેંદરડામાં ગાજવીજ સાથે 2 ઇંચથી વધુ વરસાદ વરસતા નદી નાળામાં અને વોંકળામાં પાણી વહેતા થયા અને ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક જગ્યા પર વૃક્ષોનો સોથ વળી ગયો હતો અને કેરીના પાકને અને મગ, અડદ, તલ સહીતના કઠોળ પાકને નુકશાની થઇ હતી તેમજ માંગરોળમાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો જયારે માળીયા હાટીનામાં અડધો ઇંચ વરસાદ પડતા લોકોને અસહ્ય બફારાથી થોડી રાહત મળી હતી આમ છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના અનેક તાલુકામાં 1 થી 3 ઇંચ વરસાદ વરસતા વૃક્ષો પાડવાની સાથે વીજપોલ પાડવાના બનાવો સામે આવ્યા છે.