નવસારીમાં અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ, SDRFની ટીમ તૈનાત
સુરતમાં સવારથી ધોધમાર વરસતા વરસાદે તારીજી સર્જી છે. શહેર પાણીમાં ડૂબ્યું હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યાં છે. બીજી કરફ બે લોકોના મોત થયા છે, જેમાં બાળકીનું કરંટ લાગતા અને મહિલાનું વીજળી પડતા મોત નીપજ્યું છે. સહારા દરવાજા ગરનાળામાં મુસાફર ભરેલી એસટી બસ ફસાઈ હતી, જોકે તમામ મુસાફરો સુરક્ષિત છે. અતિભારે વરસાદની આગાહીને પગલે સુરત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે. સવારના ૬થી ૧૨ વાગ્યા સુધીમાં ૧૧૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના કામરેજમાં ૬.૧૮ ઇંચ ખાબકતા જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. ભાવનગરના શેત્રુંજી ડેમમાં ધસમસતી પાણીની આવક થતાં તમામ ૫૯ દરવાજા ફૂટ છ ઈંચ ખોલવામાં આવ્યા છે. ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે (૭ જુલાઈ) પણ ૫ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’, જ્યારે અન્ય ૩ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જોકે આશ્ચર્યજનક રીતે, ૭ જુલાઈ આવી ગઈ હોવા છતાં રાજ્યના ૮ તાલુકા એવા છે, જ્યાં હજી સુધી મોસમનો એક પણ વરસાદ પડ્યો નથી, જેમાં ૬ તાલુકા એકલા કચ્છ જિલ્લાના છે. નવસારી જિલ્લામાં રેડ એલર્ટની આગાહી વચ્ચે વહેલી સવારથી સરેરાશ ૨.૭ ઈંચ વરસાદ ખાબક્યો છે અને આજે ભારે વરસાદની સંભાવના છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટરે તમામ નાના-મોટા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક આદેશ આપ્યા છે અને પૂર્ણા, અંબિકા તેમજ કાવેરી નદીઓના જળસ્તર પર ૨૪ કલાક મોનિટરિંગ શરૂ કરાયું છે. કાંઈપણ ઈમરજન્સી માટે SDRFની ટીમ તૈનાત કરી દેવાઈ છે અને NDRF સાથે સતત સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો ૨૫% એટલે કે ૨૩ ઈંચ વરસાદ વરસી ચૂક્યો હોવાથી વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા ખાસ અપીલ કરવામાં આવી છે. સુરતના સહારા દરવાજા ગરનાળામાં એસટી બસ ફસાઈ હતી. જોકે તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આટલું જ નહીં, ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે લોકો જીવના જોખમે કોંક્રિટ પિલર (થાંભલા) પર ચડીને રેલવે ટ્રેક ક્રોસ કરતા નજરે પડ્યા હતા. આ રેલવે ફાટક ગરનાળાની ઉપર આવેલું છે.




