વીજળી પડતાં કતારગામમાં પરિણીતાનું મોત, સચિનમાં ખાડામાં પડતા બે બાળકે જીવ ગુમાવ્યો
સુરત, નવસારી અને વલસાડની તમામ કોલેજ બંધ : પરિક્ષા મોકૂફ
- Advertisement -
સુરત શહેરમાં આજે મેઘતાંડવ જોવા મળ્યું હતું. શહેરમાં ૧૨ કલાકમાં ૧૪.૨ ઈંચ વરસાદ ખાબકી પડતા સુરત જાણે બેટમાં ફેરવાઈ ગયું હતું. સૌથીવધુ વરસાદ સરથાણામાં ૧૮.૯ ઇંચ, વરાછામાં ૧૮.૪ ઇંચ અને લિંબાયતમાં ૧૬.૯ ઈંચ નોંધાયો હતો. શહેરમાંથી બહાર નીકળવાના રસ્તા તો ઠીક કેટલાક વિસ્તારોમાં ઘરોની બહાર પણ નીકળી ન શકાય તેવા કમર અને છાતી સુધીના પાણી ભરાયા હતા. કતારગામમાં વીજળી પડતા પરિણીતાનું મોત નીપજ્યું હતું. જ્યારે કરંટ લાગવાના બનાવોમાં ચાર વ્યક્તિના મોત થયા હતા. જ્યારે સુરત જિલ્લામાં સૌથીવધુ કામરેજમાં ૧૬.૫ ઇંચ પલસાણામાં ૧૪.૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો. સ્કલો-કોલેજોમાં
આજે રજા જાહેર કરી દેવાઈ હતી. સુરત શહેરમાં આકાશી આફત વચ્ચે સમગ્ર જનજીવન ઠપ થયું છે. શહેરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગથી શહેરમાં પાણીનો ભરાવો થવાની ૧૧૫થી વધુ સત્તાવાર ફરિયાદો તંત્રના રેકર્ડ ઉપર નોંધાઈ છે. સોમવારે રાતે વરસાદ બાદ આજે દિવસે વરસાદનું જોર યથાવત રહ્યું હતું. સવારે ૬ વાગ્યે વરસાદ શરૂ થયા બાદ બપોર પછી મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરાછા અને સરથાણામાં બપોરે બે થી ચાર વાગ્યા દરમિયાન બે કલાકમાં અનુક્રમે ૮.૫ ઇંચ અને ૯ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે લિંબાયતમાં ૭ ઇંચ વરસાદ વરસી પડયો હતો.
સુરતમાં મેઘતાંડવ બાદ વેપારીઓને ભારે નુક્સાન : બેઝમેન્ટ-ગ્રાઉન્ડ ફલોરની હજારો દુકાનોમાં પાણી ઘૂસતાં કરોડનો માલ બરબાદ
- Advertisement -
સુરતમાં એક જ દિવસમાં પડેલા ૧૪ ઇંચથી વધુ વરસાદે શહેરના વેપાર-ધંધાને ભારે ફટકો પહોંચાડયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા એપાર્ટમેન્ટના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હજારો દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનો માલસામાન બરબાદ થયો છે. વરસાદનું જોર ઘટતાં હવે વેપારીઓ પમ્પની મદદથી દુકાનોમાંથી પાણી બહાર કાઢવામાં વ્યસ્ત બન્યા છે, જ્યારે બેઝમેન્ટમાં પાર્ક કરેલા અનેક વાહનોને પણ ભારે નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતમાં ગઈકાલે મેઘ તાંડવ બાદ શહેરના વરાછા, ભટાર, અડાજણ, પાલનપુર, ઉધના, લિંબાયત, કતારગામ, રેલવે સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફલોરની દુકાનોમાં ઘૂંટણથી લઈને કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. કાપડ, ઇલેક્ટ્રોનિક્સ, કરિયાણું, ફર્નિચર, મોબાઇલ, કોસ્મેટિક્સ સહિતના વિવિધ પ્રકારના વેપારને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક સ્થળોએ ફ્રિજ, કમ્પ્યુટર, મશીનરી અને અન્ય ઇલેક્ટ્રિક સાધનો પણ પાણીમાં ગરકાવ થતાં નુકસાનનો આંકડો સતત વધી રહ્યો છે. વરસાદનું જોર ઘટયા બાદ બુધવારથી વેપારીઓએ દુકાનોમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. મોટર પમ્પ, જનરેટર અને અન્ય સાધનોની મદદથી કલાકો સુધી પાણી બહાર કાઢવાની કવાયત ચાલી રહી છે. અનેક સ્થળોએ કાદવ અને ગંદકીના થર જામી જતાં વેપારીઓને સફાઈ માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. રેલવે સ્ટેશન વિસ્તાર વરસાદ દરમિયાન સૌથી વધુ પ્રભાવિત રહ્યો હતો. અહીં અંદાજે ૬થી ૭ ફૂટ પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે ભારે વજન ધરાવતા લોખંડના ગર્ડર પણ તણાઈને દુકાનો સુધી પહોંચી ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ આવા ત્રણ જેટલા ગર્ડર પાણી સાથે તણાઈ આવ્યા હતા. શહેરના અનેક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં માત્ર દુકાનો જ નહીં, પરંતુ પાર્કિંગમાં ઉભેલા કાર, બાઇક અને અન્ય વાહનો પણ કલાકો સુધી પાણીમાં ડૂબી રહ્યા હતા. પાણી ઓસર્યા બાદ અનેક વાહનો સ્ટાર્ટ ન થતાં માલિકોને ભારે આર્થિક નુકસાનની ચિંતા સતાવી રહી છે. વાહનોના એન્જિન, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ અને અન્ય ભાગોને નુકસાન થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. વેપારીઓનું કહેવું છે કે કુદરતી આફત સામે તેઓ સંપૂર્ણપણે લાચાર બની ગયા છે. ઘણા વેપારીઓએ લાખો રૂપિયાનો માલસામાન ગુમાવ્યો છે પ્રાથમિક અંદાજ મુજબ શહેરભરમાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે.




