ફેનિલ ગોયાણીને સુરત હોસ્પિટલમાંથી રજા અપાઇ
ખાસ-ખબર સંવાદદાતા
ગ્રીષ્મા વેકરિયાના આરોપી ફેનિલ ગોયાણીને સુરત હોસ્પિટલમાંથી રજા મળી ગયા બાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે સુરતના પાસોદરામાં ગ્રીષ્માની કરપીણ હત્યા કરી નાખી હતી. હત્યારાએ યુવતીની હત્યા બાદ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો, જોકે, તેને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી હતી. આરોપી ફેનિલને આજે કોર્ટમાં રજૂ કરીને પોલીસ તેના રિમાન્ડની માગણી કરશે.
જે બાદ તેની પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ફેનિલની ગુનાહિત પ્રવૃતિઓ પરથી પડદો ઉઠવાની શરુઆત થઈ ચૂકી છે અને પોલીસ તે દિશામાં તપાસ પણ કરી રહી છે. હવે આજે તેને કોર્ટમાં રજૂ કરીને યુવતીની નિર્દયતાથી કરેલી હત્યા સહિતના અન્ય ગુનામાં રિમાન્ડની માગણી સુરત પોલીસ દ્વારા કરવામાં આવશે. આરોપી ફેનિલ ગોયાણીને હોસ્પિટલમાંથી રજા મળતા સુરતની કામરેજ પોલીસ દ્વારા તેની સત્તાવાર ધરપકડ કરી લેવામાં આવી હતી.
- Advertisement -
અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ મુજબ આરોપીની ધરપકડ કરાયા બાદ તેની પૂછપરછ કરીને નિવેદન નોંધવામાં આવ્યા છે. આ સિવાય અન્ય લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા હતા. હવે આજે બપોરે આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરીને તેના વધારેમાં વધારે રિમાન્ડ મળે તે માટે પોલીસ કોર્ટમાં રજૂઆત કરી શકે છે. કોલેજ સમયથી ફેનિલ નાની-મોટી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતો હોવાનું ખુલ્યા બાદ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.