સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવ યથાવત્
નલિયામાં આજે 7.8 ડિગ્રી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની અસરના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ચાલ્યો ગયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતાં લોકો ઠૂઠવાયા હતા. અમદાવાદ, બરોડા, ભાવનગર, સુરત સહિતના શહેરોમાં પણ લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડા અને તાપણાનો સહારો લેતા જોવા મળ્યા હતા. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું હતું કે, ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. ઉત્તર તરફથી સીધા જ પવનો ફૂંકાઈ રહ્યા હોવાના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ જિલ્લાઓમાં 14 ડીસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી આજે વધુ એકવાર નલિયામાં રેકર્ડ થઈ છે. 7.8 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા હતા. નલિયામાં બુધવારે સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેની સરખામણીમાં આજે 2.8 ડિગ્રી તાપમાન ઉંચકાયું હતું.
હવામાન વિભાગ દ્વારા રાજકોટ અને કચ્છમાં કોલ્ડેવેવની આગાહી કરી છે. જેના કારણે આ બંને જિલ્લામાં તાપમાનનો પારો છેલ્લા બે દિવસથી 10 ડિગ્રીની નીચે પહોંચી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં ચાલુ સિઝનમાં સૌથી ઓછું 9.1 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો દિવસે પણ ધ્રુજી ઉઠ્યા હતા.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જણાવ્યું હતું કે, રાજકોટમાં જે પ્રકારે સતત બે દિવસથી કોલ્ડવેવની અસર વર્તાઈ રહી છે તેનું મુખ્ય કારણ છે કે, હાલમાં સૌરાષ્ટ્ર કચ્છના ભાગો ઉપર ઉત્તર દિશા તરફથી સીધા પવનો આવી રહ્યા છે. સામાન્ય રીતે પવન ઘડીયાળની ઉલટી દિશામાં ફરીને ઉત્તરથી ગુજરાત તરફ આવતા હોય છે પરંતુ હાલમાં પવનની દિશા સીધી ઉત્તર તરફથી આવી રહી છે અને ઉત્તર ભારતમાં હાલમાં હિમવર્ષા થઈ રહી છે જેથી હિમવર્ષાના 48 કલાકમાં ગુજરાત સુધી તેની ઠંડીની અસરો આવે છે. ત્યારે સતત ચારથી પાંચ દિવસથી જે પ્રકારે ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે તેના સીધા પવનો ગુજરાત તરફ આવે છે અને ખાસ કરીને કચ્છ રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લાઓમાં આ સીધા પવનોની અસરને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે હજુ પણ આગામી 14 ડિસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતાઓ છે. ખાસ કરીને રાજકોટમાં સતત બીજા દિવસે રહી છે. તેનું કારણ છે કે ઉત્તર તરફથી આવતા પવનો ની ગતિ ત્યાં ધીમી થવાથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને સામાન્ય કરતાં ઓછું લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે.
- Advertisement -
રાજ્યમાં વિવિધ સેન્ટરો પર નોંધાયેલું લઘુતમ તાપમાન
સેન્ટર લઘુતમ તાપમાન
અમદાવાદ 13.0 ડિગ્રી
વડોદરા 13.2 ડિગ્રી
ભાવનગર 13.8 ડિગ્રી
ભુજ 11.4 ડિગ્રી
ડીસા 10.5 ડિગ્રી
દીવ 13.7 ડિગ્રી
દ્વારકા 15.2 ડિગ્રી
કંડલા 13.5 ડિગ્રી
નલિયા 7.8 ડિગ્રી
ઓખા 20.2 ડિગ્રી
પોરબંદર 11.2 ડિગ્રી
રાજકોટ 9.1 ડિગ્રી
સુરત 15.2 ડિગ્રી
વેરાવળ 17.8 ડિગ્રી