પશુને કુદરતી રીતે આવતી ખજવાળ ઘણી વખત પશુ માટે ઈજામાં પરિણામતી હોય છે. ઘણી વખત શીંગડા ફસાઈ જવાના બનાવ બને છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળના પશુ ઉછેર કેન્દ્રમાં પશુઓને આ મુશ્કેલીમાંથી મુક્ત કરવા ખંજવાળમાં સહાયરૂપ થતા મશીન મુક્યાં છે. ટેક્નોલોજીના લીધે હવે જૂનાગઢ પશુ ઉછેર કેન્દ્રમાં ગાય, ભેંસને દિવાલ ઉપર ઘસવું નહીં પડે. વૈજ્ઞાનિક ડો.સાવલિયાએ જણાવ્યું હતું કે, ગીર ગાયો અને જાફરાબાદી ભેંસોને ખંજવાળ આવતી હોય જેના કારણે તે દિવાલમાં ઘસાતી હોય આથી તેમના શરીર ઉપર ઇજા થવાની શક્યાતા રહેતી હોય છે. આ સંજોગોમાં ક્યારેક પશુઓને ઇન્ફેક્શનના થવાના લીધે બિમાર પડે છે. ત્યારે જર્મનની ટેક્નોલોજીના ખંજવાળ માટેના ક્રૃમર મશીન મુક્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મશીન જર્મનીથી મંગાવવામાં આવતા હોય છે. આ એક મશીનની કિંમત અંદાજે રૂ.2 લાખ જેટલી છે. તેવા કુલ 4 મશીન પશુ ઉછેર કેન્દ્રમાં મુક્યા છે. આ મશીન ઓટોમેટીક હોય છે કે, પશુ તેમની નજીક જાય એટલે મશીન શરૂ થઇ જાય છે. જેથી હવે ગાય, ભેંસ આ મશીનથી ટેવાય ગયા છે.