સ્થાપનાનાં 50 વર્ષની ગૌરવશાળી સફરની ઉજવણી માટે 20 અને 21 નવેમ્બરે રાજસ્થાનમાં બે દિવસીય કાર્યક્રમ
19મીએ રાત્રે 9 વાગ્યે સભ્યોને લીલી ઝંડી આપી પ્રવાસ રવાના કરાશે
- Advertisement -
રાજકોટના વેપારી જગતમાં આગવું સ્થાન ધરાવતા ધ રાજકોટ ટી મર્ચન્ટ એસોસિએશન (RTMA) દ્વારા સ્થાપનાનાં 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગોલ્ડન જુબલી વર્ષની ભવ્ય ઉજવણીનું આયોજન રાજસ્થાનના ઐતિહાસિક અને રમણીય સ્થળ કુંભલગઢ ખાતે કરવામાં આવ્યું છે. તા. 20 અને 21 નવેમ્બર, 2026ના રોજ યોજાનારા આ બે દિવસીય કાર્યક્રમમાં એસોસિએશનના સભ્યો પરિવારજનો અને મિત્રવર્તુળ સાથે સહભાગી બની સંસ્થાની પાંચ દાયકાની ગૌરવશાળી સફરની ઉજવણી કરશે.
ધ રાજકોટ ટી મર્ચન્ટ એસોસિએશનની સ્થાપના વર્ષ 1976માં સ્વ. અનંતરાય ઉનડકટ દ્વારા કરવામાં આવી હતી. તેમણે સંસ્થાનો મજબૂત પાયો નાખી ચાના વેપારીઓને એક મંચ પર લાવવાની સાથે સંગઠનની આગવી ઓળખ ઊભી કરી હતી. સ્થાપનાના પાંચ દાયકા બાદ પણ સંસ્થાએ પોતાની પ્રતિષ્ઠા અને સંગઠનશક્તિ જાળવી રાખી છે. વર્ષ 1976થી આજ સુધી રાજકોટ ટી મર્ચન્ટ એસોસિએશનનું સ્થાન ભારતભરમાં માનભર્યું અને દૃષ્ટાંતરૂપ રહ્યું છે, જે સંસ્થાના સભ્યોની એકતા, વિશ્વાસ અને સામૂહિક પ્રયાસોનું પરિણામ છે.
જોગાનુજોગ, સંસ્થાના સ્થાપક સ્વ. અનંતરાય ઉનડકટના સુપુત્ર મનોજભાઈ ઉનડકટ હાલ એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી રાજુભાઈ ઉનડકટ અને ખજાનચી જયભાઈ બરછા સહિતની ટીમ દ્વારા ગોલ્ડન જુબલીની ઉજવણીને યાદગાર બનાવવા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ભવ્ય ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે સિલીગુડી સ્થિત MB ગ્રુપના ડિરેક્ટર આયુષજી બંસલ, FAITTAના ચેરમેન પારસભાઈ દેસાઈ, ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ પટેલ તથા સેક્રેટરી રતનલાલ શર્મા ઉપસ્થિત રહેશે. દેશના ચા વેપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓની ઉપસ્થિતિ કાર્યક્રમની શોભામાં વધારો કરશે.
- Advertisement -
આ આયોજનને સફળ બનાવવા RTMAના મોભીઓ જીતુભાઈ દેસાઈ, દિનેશભાઈ કારીયા, સુરેશભાઈ સંઘવી અને અરવિંદભાઈ બરછા સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. તા. 19 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 9 વાગ્યે RTMAના મોભી જીતુભાઈ દેસાઈ એસોસિએશનના સભ્યોને કુંભલગઢ પ્રવાસે જવા માટે લીલી ઝંડી આપી રવાના કરશે. ત્યારબાદ 20 અને 21 નવેમ્બરના રોજ કુંભલગઢ ખાતે ગોલ્ડન જુબલીની વિવિધ ઉજવણી સાથે સંસ્થાના 50 વર્ષના સંગઠન, સંઘર્ષ અને સફળતાની યાદગાર ક્ષણોને ઉજવવામાં આવશે. પાંચ દાયકાની આ સફર રાજકોટના વેપારી સંગઠન ક્ષેત્રે એક ગૌરવપૂર્ણ સીમાચિહ્ન બની રહેશે.



