કોરોના સહિતના સંજોગોના કારણે ધીમા પડેલા પ્રોજેકટનું અંતે 95% કામ પુરૂં
શહેરના કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં બની રહેલા બ્રીજનું કામ અંતે પુરૂ થવા આવ્યું છે. આ પ્રોજેકટનું કામ ડામર રોડ સહિત 95 ટકા જેટલું પૂર્ણ થતા અને હવે તા.20 આસપાસ મનપાને કબ્જો સોંપી દેવામાં આવે તે સાથે ઉદઘાટન કરવા મહાપાલિકાએ તૈયારી શરૂ કરી દીધી છે. બ્રીજનો કબ્જો મળવાની ફાઇનલ તારીખ એજન્સી આપે એટલે ઉદઘાટન માટે રાજયના મુખ્યમંત્રીને નિમંત્રણ આપવામાં આવશે તેવું આજે મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું.
- Advertisement -
2021થી આ બ્રીજનું કામ ચાલી રહ્યું છે. તા.15-1-21ના રોજ સ્ટે.કમીટીએ 125.53 કરોડના ખર્ચે આ બ્રીજ પરના સ્પ્લીથ ફાયરઓવર બ્રીજનું કામ મંજૂર કર્યુ હતું. જેનો વર્કઓર્ડર તા.21-1-21ના રોજ આપવામાં આવ્યો હતો અને ર4 મહિનાની સમય મર્યાદા સાથે તા.20-1-2023ની યોજના પૂરી કરવાની મુદ્દત હતી. પરંતુ કોરોના કાળ સહિતના સંજોગોના કારણે કામમાં વિલંબ થતા હતા. ઢીલ બદલ એજન્સીને નોટીસો પણ અપાતી હતી. અંતે હવે આ બ્રીજનું કામ 9પ ટકા જેટલું પૂર્ણ થતા ઉદઘાટનના કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે.
તહેવારો સહિતના દિવસોમાં મજુરો ન મળવા સહિતના ખુલાસા કોન્ટ્રાકટર કંપની દ્વારા કરવામાં આવતા હતા. તે વચ્ચે પૂર્વ અને વર્તમાન કમિશ્નર, મેયર સહિતના પદાધિકારીઓએ એજન્સી સાથે ઘણી વખત બેઠક કરી હતી. તાજેતરમાં પણ મેયરે આ મામલે રીવ્યુ લીધો હતો અને તે બાદ મજુરો વધારીને કામ ગતિમાં લાવવામાં આવ્યું હતું. હવે ઇજનેરો અને એજન્સીએ આ બ્રીજનું કામ પૂર્ણ થવા આવ્યાનો રીપોર્ટ આપ્યો છે. તા.20 જુન સુધીમાં બ્રીજનું તમામ કામ પૂર્ણ થાય એટલે મહાપાલિકાને કંપની દ્વારા સત્તાવાર રીતે કબ્જો સોંપવામાં આવશે.
- Advertisement -
તા.20 આસપાસ બ્રીજનું ઉદઘાટન કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને નિમંત્રણ પણ મોકલવામાં આવશે.
બ્રીજમાં બંને સાઇડ તરફના સર્વિસ રોડ પર થ્રી લેયર ડામરનું કામ પણ પૂર્ણ ચુકયુ છે. સર્વિસ રોડ તૈયાર છે. એકંદરે બ્રીજ પર 70 ટકા ડામર કામ અને 80 ટકાથી વધુ ઇલે. પોલ નાખવાની કામગીરી પણ આવતા સોમવાર સુધીમાં પૂર્ણ થઇ જાય તેવી ધારણા છે. મેયરે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે બ્રીજ પર કલર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 2021થી આ બ્રીજનું કામ શરૂ થયું હતું.
બ્રીજની સ્થિતિ
– 2021થી બ્રીજનું કામ ચાલુ
– 125.53 કરોડનો ખર્ચ
– બંને સાઇડ તરફના સર્વિસ રોડ પર થ્રી લેયર ડામરનું કામ પણ પૂર્ણ
– બ્રીજ પર 70 ટકા ડામર કામ પૂર્ણ
– 80 ટકાથી વધુ ઇલે. પોલ નાખવાની કામગીરી સોમવાર સુધીમાં પૂર્ણ થશે
– બ્રીજનું કલર કામ પણ શરૂ કરી દેવાયું