કલેક્ટર તંત્ર દ્વારા વર્ષ 2023માં 1,02,31,599 ચો.મી. જમીન બિનખેતી કરાઇ
વર્ષ 2022માં 68,80,600 ચો.મી. જમીન બિનખેતી થયેલ: ક્ષેત્રફળની દૃષ્ટિએ 50%નો વધારો
- Advertisement -
છેલ્લા ત્રણ વર્ષમાં 74.01% અરજીઓનો હકારાત્મક નિકાલ: જિલ્લામાં ગોંડલ તાલુકામાં સૌથી વધુ જમીન બિનખેતી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર-જિલ્લામાં ઔદ્યોગિકરણ સતત વધી રહ્યું હોય, દિન-પ્રતિદિન નવા ઔદ્યોગિક એકમો પ્રસ્થાપિત થઇ રહ્યા છે. તેની સાથોસાથ શહેરીકરણમાં પણ વધારો થઇ રહ્યો છે. જેના પગલે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા વર્ષ 2023માં જિલ્લામાં હકારાત્મક અરજીઓનો નિકાલ કરી 1,02,31,599 ચો.મી. જમીન બિનખેતી કરવામાં આવી છે. આ અંગેની વિગતો આપતા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે બિનખેતીની અરજીઓના નિકાલમાં રાજકોટ જિલ્લો રાજ્યભરમાં ટોપ ઉપર રહેવા પામેલ છે. જેમાં ઓક્ટોબર-નવેમ્બર અને ડિસેમ્બર એમ આ ત્રણ માસ દરમ્યાન રાજ્યના 10 જિલ્લાઓના ગ્રુપ-1માં રાજકોટ જિલ્લો બિનખેતીની અરજીઓના નિકાલમાં મોખરે રહ્યું છે. રાજકોટ કલેક્ટર તંત્ર સમક્ષ વર્ષ 2022માં બિનખેતીની 1887 અરજીઓ આવી હતી. જ્યારે વર્ષ 2023માં એટલે કે ગત વર્ષે 2453 અરજીઓ બિનખેતીની આવી હતી. વર્ષ 2022 કરતાં વર્ષ 2023માં બિનખેતીની અરજીઓમાં 30 ટકાનો વધારો થવા પામ્યો છે.
કલેક્ટર પ્રભવ જોશીએ વિશેષમાં એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા 74.01 ટકા બિનખેતીની અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગની ગાઇડલાઇન મુજબ બિનખેતીઓની અરજીઓના નિકાલ માટે ગ્રીન ચેનલમાં 10 દિવસ, યેલો ચેનલમાં 45 દિવસ મળી સમયસર 90 દિવસનો સમયગાળો આવી અરજીઓના નિકાલ માટે આપવામાં આવે છે.
વર્ષ 2022માં રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા 68,80,600 ચો.મી. જમીન બિનખેતી કરવાની મંજુરી આપવામાં આવી હતી. જ્યારે વર્ષ 2023માં જિલ્લામાં 1,02,31,599 ચો.મી. જમીન બિનખેતી થવા પામેલ છે. જેમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ 50 ટકાનો વધારો થવા પામેલ છે. બિનખેતીની ફાઇલોની સંખ્યામાં ખાસ્સો વધારો થવા પામેલ છે. 30 ટકા જેટલી ફાઇલોનો સરેરાશ વધારો થયો છે. બિનખેતીની અરજીઓમાં થયેલા વધારા પછી પણ રાજકોટ જિલ્લાએ આવી અરજીઓના નિકાલમાં રાજ્યમાં અગ્રસ્થાન જાળવી રાખ્યું છે.
જિલ્લાના ગોંડલ તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ જમીન બિનખેતી થવા પામી છે. જેમાં ભરુડી, રીબ, રીબડા, પરવડી, શાપર વેરાવળ સહિતના વિસ્તારોની જમીન વધુ પ્રમાણમાં બિનખેતી થવા પામી છે.