શિક્ષણનું સ્તર ખાડે: ધો.8ના વિદ્યાર્થીઓને વાંચતા નથી આવડતું!
સદરની જમીનમાં દબાણ- યાજ્ઞિક રોડની દુકાનો ઉપરાંત રોડ-રસ્તા સહિતના મુદ્દા ઉઠાવાયા
ખાસ-ખબર સંવાદદાતા
મહાનગર-નગરપાલિકાઓની જેમ હવે ગામડાઓમાં પણ દુકાનોના રજીસ્ટ્રેશન-લાયસન્સ ફરજીયાત બનાવતો ઠરાવ રાજકોટ જીલ્લા પંચાયત કર્યો છે. આજે યોજાયેલી સામાન્ય સભામાં સવાલોની સટાસટી બોલી હતી.
જીલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીની પ્રથમ સામાન્યસભા આજે યોજાઈ હતી. ભાજપ-કોંગ્રેસના સભ્યોએ અનેક પ્રશ્નો ઉઠાવીને સવાલોની સટાસટી કરી હતી. ભાજપના જ સભ્ય અને પુર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાએ સદરબજારની જીલ્લા પંચાયતની જમીનના દબાણ, યાજ્ઞીક રોડની ત્રણ દુકાનો ખાલી કરાવવાની પ્રક્રિયા, ઝેરોકસના ટેન્ડર ઉપરાંત પશુપાલન વિભાગના આઠ સવાલ કર્યા હતા. જમીન દબાણ તથા દુકાનોનો મુદ્દો કોર્ટમાં છે ત્યારે કાનૂની પ્રક્રિયા ઝડપથી કરવાનો જવાબ અપાયો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટના બાકી ચુકવણાનો મુદ્દો પણ ઉપસ્થિત કર્યો હતો.
કોંગ્રેસના સભ્યોએ શિક્ષણથી માંડીને રોડરસ્તા તથા જંગલકટીંગ જેવા મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. મનસુખભાઈ સાકરીયાએ શિક્ષણનો મુદ્દો રજુ કરીને એમ કહ્યું કે ગામડાની સરકારી શાળાના બાળકોને પણ લખતા-વાંચતા આવડતુ નથી. 400 ઓરડા તથા 400થી વધુ શિક્ષકોની ઘટ છે. અંગ્રેજી-હિન્દીના પુસ્તકો હજુ મળ્યા નથી ત્યારે બાળકો કયાંથી અને કેવી રીતે ભણી શકે? શિક્ષણની કથળેલી હાલતનો ચિતાર આપવા સાથે તેઓએ આ મામલે કોઈ રાજકારણ નહીં કરતા હોવાની ચોખવટ કરી હતી.
તેઓએ પાક નુકશાની સહાયનો મુદો પણ ઉઠાવ્યો હતો. જુલાઈના વરસાદથી અંદાજીત 20 લાખની મંજુર થયેલી નુકશાની સહાય હજુ ચુકવાઈ નથી. અધિકારીઓ દ્વારા પાંચ દિવસમાં ચુકવણી થઈ જવાની બાંહેધરી આપવામાં આવી હતી. કોંગ્રેસના વિપક્ષી નેતા અર્જુન ખાટરીયાએ ભાંગેલા રસ્તા તથા પેચવર્કનો મુદો ઉપસ્થિત કર્યો હતો. ત્રણ જ માસમાં નવે નવા રોડ તૂટી જતા હોવાનો મુદો આગળ ધર્યો હતો. આ ઉપરાંત આરોગ્ય જેવા અન્ય પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. સામાન્ય સભામાં કુલ 28 પ્રશ્નો પુછાયા હતા પરંતુ એક કલાકનો પ્રશ્ર્નોતરીનો સમય પૂર્ણ થતા બાકીના હાથ પર લેવામાં આવ્યા હતા. દરમ્યાન અધ્યક્ષસ્થાનેથી શહેરોની જેમ ગામડાઓમાં પણ નાનીમોટી તમામ દુકાનોનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનો નિર્ણય લેવાયો હતો. ગ્રામ પંચાયતે કાર્યવાહી કરવાની થશે. ગંદકી-સફાઈ મામલે દંડાત્મક કાર્યવાહી પણ કરશે.