પેટ્રોલમાં ₹2.61, ડીઝલ ₹2.71નો ભાવવધારો ઝીંકાયો: મોંઘવારીના ડોઝ સાથે નવા સપ્તાહની શરૂઆત
રાજકોટમાં પેટ્રોલ ₹101.61 અને ડીઝલ ₹97.74 પ્રતિ લિટર
- Advertisement -
હવે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવાની અસરે આવશ્યકથી માંડીને તમામ ચીજ-વસ્તુઓમાં ભાવ વધવાની ભીતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇરાન વચ્ચેના યુધ્ધના ઝટકા ભારતીયોને લાગી રહ્યા હોય તેમ આજે 48 કલાકમાં બીજી વખત તથા 11 દિવસમાં ચોથી વખત પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારો કરવામાં આવ્યો છે.
પેટ્રોલમાં રૂા.2.61 તથા ડિઝલમાં રૂા.2.79નો મોટો ભાવવધારો કરવામાં આવ્યો છે. આ પગલાથી ટ્રાન્સપોર્ટેશન સહિતના તમામ મોરચે નવો બોજ પડવાની અસર હેઠળ મોંઘવારી વધુ મોઢુ ફાડી શકે છે.
ઇરાન યુધ્ધની અસર વૈશ્વિક ક્રૂડમાં છેલ્લા બે મહિનાથી મોટી તેજી થઇ હોવાથી ભારતમાં 15 મેથી પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારાનો દોર શરૂ થયો છે. શનિવારે સરેરાશ 90 પૈસાનો હળવો ભાવવધારો કરાયા બાદ આજે પેટ્રોલમાં 2.61 તથા ડિઝલમાં 2.79નો નોંધપાત્ર ભાવવધારો ઝીંકાયો હતો.
નવા સપ્તાહની શરૂઆત જ મોંઘવારીના ઝાટકા સાથે થઇ હોય તેમ પેટ્રોલીયમ કંપનીઓએ ભાવવધારો ઝીંકતા પેટ્રોલનો ભાવ સદી વટાવી ગયો હતો અને ડિઝલનો ભાવ તેની નજીક પહોંચ્યો હતો. પાટનગર દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 102.12 થયો હતો. જ્યારે ડિઝલનો 95.20 થયો હતો. કોલકતામાં પેટ્રોલનો ભાવ 113.51 તથા મુંબઇમાં 111.21 હતો.
આ પૂર્વે પેટ્રોલીયમ કંપનીઓએ ગત 15મી મેના રોજ પ્રતિ લીટર રૂા.3,19 મેના રોજ 90 પૈસા, 23 મેના રોજ 91 પૈસાનો ભાવવધારો કર્યો હતો. પેટ્રોલીયમ ચીજો મોંઘી થવાથી મોંઘવારીનો રાક્ષસ વધુ ધુણી શકે છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવાની અસરે ફળ, શાકભાજી, દુધ સહિત તમામ આવશ્યક ચીજો પર બોજ વધશે.
ખેતી પણ પ્રભાવિત થશે. આમ આદમીને મોટો આર્થિક માર સહન કરવાનો માર સહન કરવો પડશે. આ ભાવવધારા તથા મોંઘવારી મામલે વિપક્ષોએ સરકાર પર નિશાન તાક્યું છે. સરકાર લોકોને રિબાવી-રિબાવીને મારી રહ્યાનો આરોપ લગાવ્યો હતો.
અગાઉ 23 મેના રોજ ત્રીજી વખત પેટ્રોલના ભાવમાં 87 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 91 પૈસા પ્રતિ લિટરનો ઝીંકાયો હતો. આ વધારા સાથે મે મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલ અંદાજે 5 રૂપિયા જેટલા મોંઘા થઈ ચૂક્યા હતા. જેના બાદના આજના વધારા સાથે પેટ્રોલ ડીઝલ હવે પ્રતિ લીટર 7.50 થી 8 રૂપિયા સુધી મોંઘા થઈ ચૂક્યા છે.
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને ઊર્જા બજારમાં ઉતાર-ચઢાવને કારણે આયાત ખર્ચ વધી ગયો છે. દેશમાં ઈંધણનો પુરવઠો સ્થિર રાખવા માટે આ ભાવવધારો કરવો જરૂરી બન્યો હતો.
નિષ્ણાતોના મતે, આ સતત વધારાને કારણે આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સનો ખર્ચ વધશે, જેની સીધી અસર દૂધ, શાકભાજી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડી શકે છે.



