સુક્કીભઠ ગણાતી કચ્છની રેતાળ ધરા કલા અને સંગીતની લીલીછમ્મ ધરોહર સંઘરીને બેઠી છે. અહીંનું સંગીત આ પ્રદેશની સારીયે મીઠાશ, માટીની સુગંધ ભળેલી હોય એવું મઘમઘતું-રસઝરતું છે. કલાપરખું કદરદાન માણસોની આ ધરાના હવા પાણીમાં સંગીત અને કલા વહેતાં રહે છે અને એને જ ગળથુથીમાં પી ગયાં હોય એવાં અનેક મહાન સંગીતકાર,ગાયક આ ભૂમિની દેન છે. આવા અનેરા કચ્છમાં ઓગણીસો સત્યાશી-અઠયાંશી આસપાસ તેર વર્ષનો એક છોકરો તબલાં બહુ સરસ વગાડે. જાણકાર લોકો તેનાં તબલાવાદનને બિરદાવતાં કહેતાં કે એનો હાથ તબલા પર ખૂબ સરસ બેઠેલો છે! એ તેર વર્ષનો કિશોર એટલે, અનેક મુશ્કેલીઓ વચ્ચે જેનું સંગીતમય વ્યક્તિત્વ નિખરીને ઉભર્યું છે એ, આજે ગુજરાતના તેમજ દેશના ખ્યાતનામ ગાયકમાં જેની ગણના થાય છે એ ઓસમાણ મીર…!
હું એક સાંજે આ લોકપ્રિય ગાયક એટલે કે ઓસમાણ મીરને રુબરુ થવા રાજકોટ સ્થિત એમના નિવાસસ્થાને પહોંચું છું. એમણે કહ્યું હતું કે, સામાન્ય રીતે હું ઇન્ટરવ્યૂ માટે પોણી કલાકનો સમય આપું છું તો, બહુબહુ તો કલાક… આમ, એકાદ કલાકનો સમય મને મળ્યો હતો.પણ વાતોવાતોમાં લગભગ ચારેક કલાક ક્યાં પસાર થઇ ગયાં ખબર જ ન પડી… હું ઘણાં પ્રશ્ન તૈયાર કરીને ગઈ હતી પણ પ્રશ્ન પૂછું અને જવાબ મળે એવી ઔપચારિક ન રહેતાં, આ મુલાકાત વાતચીત જેવી હળવીફુલ અને સહજ બની રહી…. તો આ છે એમની સાથેની વાતચીતના અંશ….

નાનપણ
કચ્છનાં અબડાસા તાલુકાનાં વાયોર ગામમાં, 22 મે, 1974નાં રોજ ઓસમાણ મીરનો જન્મ. ઓસમાણની પાંચ-છ વર્ષની ઉંમરે પરિવાર માંડવી પાસેનાં બાયઠ ગામમાં સ્થાયી થયો. પિતા હુસેન ઉસ્તાદ અને દાદા ઉસ્તાદ અલ્લારખા અને કાકા પોતાના સમયના કચ્છના સંતવાણીના નિવડેલા ક્લાકારો, પ્રવીણ તબલચી. સમજો કે આખાય કચ્છમાં તેઓ તબલાવાદનના બેતાજ બાદશાહ ગણાતાં! માતા સકીનાબાનુંની ગાયકી પણ ખૂબ પ્રભાવી… આમ, ઘરમાં સંગીતનું વાતાવરણ સહજ હતું. હાર્મોનિયમ/ગાયન-તબલા વાદન … આ બધું અહીં ઔપચારિક તાલીમરુપ નહોતું, બલ્કી ઘરમાં વસતા લોકોની એ જીવનશૈલી હતી!

પિતા માટે, સંગીત તો એમની અંદરની મોજ હતી અને વ્યવસાયિક વલણ એમના વ્યવહારમાં ન હતું.’ આટલું કહેતાં કહેતા તેઓ એ દિવસોને યાદ કરી કહે છે…મને હાર્મોનિયમ વગાડવા/શીખવાનો ખૂબ શોખ પણ ગરીબી ઘણી જ..ઘરમાં હાર્મોનિયમ ન મળે! ગામની સંગીત મંડળીનું હાર્મોનિયમ એક ગોદામમાં પડ્યું રહેતું. ઉપયોગમાં ન લેવાતું હોય ત્યારે તેની પર જાળા બાઝી ગયા હોય. ગોદામની હાલત પણ એવી જ પડતર…છતાં હું હાર્મોનિયમ વગાડવા કાજે એવાં ગોદામમાં ચડી જતો! તો મારી ઇચ્છાને લઈને પિતા કોઈને કોઈની ત્યાંથી હાર્મોનિયમ લાવી આપે.’ પિતા અને કાકા પાસે બાળક ઓસમાણ તબલા શીખે! સંગીતની પૃષ્ઠ ભૂમિ ધરાવતો આ બહોળો પરિવાર ગરીબીમાંય સંગીતની મોજમાં આનંદથી જીવતો હતો.

ઓસમાણ મીરે માત્ર 13 વર્ષની ઉંમરે જ પહેલાં કાકા અને પછી પિતા બન્નેનું છત્ર ગુમાવી દેતાં પરિવાર પર પારાવાર મુશ્કેલીઓ આવી પડી…

પણ….પણ ઓસમાણની 13 વર્ષની ઉંમરે જ, પહેલા કાકા અને પછી પિતા બન્નેનું છત્ર લૂંટાઈ જતા પરિવાર પર પારાવાર મુશ્કેલીઓ આવી પડી…

સંઘર્ષ
હવે, માતા અને બહેનોએ મજૂરીકામ પર જવું પડતું. તો ઓસમાણ સરને પણ એમની તેર વર્ષની ઉંમરે નર્સરીમાં રોપા તૈયાર કરવાના કામે, બાયઠથી પંદરેક કિલોમીટર દૂર આવેલા અંબાજીનું ગોધરા ગામે રોજે રોજ જવું પડતું. જ્યાં રોપાને કુંડામાં માટી સાથે તૈયાર કરવાના રહેતાં અને જેટલું કામ થાય એના હિસાબે પૈસા મળતાં. સવારના પાંચ વાગે ઉઠીને છ વાગે તો કામ પર નીકળી જવાનું! અને બાર -બાર કલાકની મહેનત પછી,બીજા લોકો રોજના પચાસેક રૂપિયા કમાઈ લેતા પણ ઉંમર નાની અને ઝડપના અભાવે ઓસમાણ માંડ ત્રીસેક રૂપિયાનું કામ કરી શકતાં! એક દિવસ, સાંજ સુધી કામ કરવા છતાં વધુ રૂપિયા મળી શકે એટલું કામ તો ન જ થયું. સાથેના કામ કરનારા પોતપોતાનું કામ પૂરું કરી નીકળી ગયા પણ મને થયું કે હજુ થોડું વધારે કામ કરી લઉં તો વધુ રૂપિયા મળે. આ બાજુ, ગામના લોકો કામ કરીને પરત આવી ગયા પણ હું ન પહોંચ્યો એટલે માનો જીવ ઊંચો થઈ ગયો… અને, ધખધખતો તાવ, બન્ને હાથમાં બકડિયા-પાવડા, સાવ એકલો એકલો આટલું અંતર કાપીને અને થાકીથી લોથપોથ હું જ્યારે રાત્રીના નવ-સાડા નવે ગામમાં દાખલ થયો ત્યારે મા તળાવની પાળે ઉભી મા, વ્યાકુળતાથી મારી રાહ જોઈ રહેલી મા મને જોતાવહેંત વળગી પડી કહેવા લાગી કે, બસ.. આજથી તું કામ પર નહિ જ જાય. તારા બદલે હું વધારે કામ કરી લઈશ…. આટલું બોલતા બોલતાં સર લાગણીશીલ થઈ જાય છે..કહે છે, જુઓ રુંવાડા ઉભા થઇ ગયાં…!’ આટલી વાત થઈ ત્યાં ચાના કપ આવે છે… થોડી આડીઅવળી વાત પછી સર વાત આગળ વધારતાં, તેમના જીવનના પહેલાં ટર્નિંગપોઇન્ટ વિશે કહે છે કે, ઉપરવાળો એક દરવાજો બંધ કરે ત્યારે બીજો ખોલી જ દેતો હોય છે.

મુરબ્બી અશ્વિનભાઈ પેંડાવાળા કે જેઓ પિતાના ખાસ મિત્ર, એકવાર ઘરે આવ્યા. ઘરની કફોડી હાલત જોઈને તેઓ મને બ્રહ્મલિન પૂ. નારાયણ સ્વામીને આશ્રમ માંડવી લઈ ગયાં. નારણબાપુને વાત કરી કે છોકરો તબલાંમાં ભારે જમાવટ કરે છે, હાથ બહુ સારો બેઠેલો છે. બાપુએ વગાડવાનું કહ્યું .મારુ તબલાવાદન સાંભળી બાપુ ખૂબ રાજી થઈ ગયાં…! મને કહ્યું કે કાલે સોનલબીજના પ્રોગ્રામમાં જવાનું છે ત્યાં તું જ તબલા વગાડજે..! બસ…ત્યારથી નારાણબાપુ સાથે તબલાની સંગત શરુ થઇ તે વર્ષો સુધી ચાલી… નારાયણ સ્વામીની વાત કરતા ઓસમાણ ખૂબ ભાવુક થઈ જાય છે. કહે છે કે તેઓએ મને પુત્રવત્ પ્રેમ આપ્યો. તેર વર્ષની ઉંમર, નાના કદને કારણે બાપુ મને ઓશિકા ગોઠવી બેસાડી દે.

ઓસમાણ મીરની જિંદગીમાં, અધ્યાત્મ સાથે જોડાયેલી બે વિભૂતીનો ખૂબ જ મહત્વપૂર્ણ રોલ રહ્યો, એક તો ભજનિક- સુરતાલના આરાધક નારાયણ સ્વામી અને બીજા કથાકાર મોરારિબાપુ

ઓસમાણ મીરે પણ જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે, માતા અને બહેનોએ મજૂરીકામ પર જવું પડતું, તો તેઓ પણ 13 વર્ષની ઉંમરે નર્સરીમાં રોપા તૈયાર કરવાના કામે જતા…

મારું તબલુ ચડાવી દે (સુરમાં- તાલમાં કરવાની પ્રોસેસ) પબ્લિક જોઈને હું ગભરાઈ ન જઉં એટલે મારી સીટીંગ એરેન્જમેન્ટ જ એવી રખાવે કે હું લોકોને બહુ જોઈ ન શકું. સંતવાણીના પ્રોગ્રામ તો રાત રાતભર ચાલે અને બેએક વાગે ત્યાં તો મારી આંખો ઘેરાવા માંડે, ત્યારે બાપુ કહેતાં કે હવે આ દીકરાને સુવાડી દ્યો. બાપુ મારા માટે પિતાતુલ્ય તો હતા જ પણ હું એમને મારા ઈશ્વરનો દરજ્જો આપું છું.. નારાયણ સ્વામી ન હોતે તો આજે આ જગ્યાએ હું છું ત્યાં ન હોતે અથવા અહીં પહોંચતા મને બહુ વાર લાગી હોતે!

તબલાવાદન અને ઓસમાણ મીર
ગાયક ઓસમાણને તો બધાં જ ઓળખે છે પણ તેર વર્ષની ઉંમરે જેના તબલાવાદનની ગંભીર નોંધ લેવાતી હતી એ તબલાવાદક ઓસમાણ, એમના વાદનની વિશેષતા વિશે જાણવાનું મન અમને ન થાય તો જ નવાઈ..અને એ વિશે પૂછતાં સરે કહ્યું કે, બસ પછી તો..હજ્જારો-લાખોની સંખ્યામાં સાંભળનારા વચ્ચે હું બાપુ સાથે એવી તો સંગત જમાવતો કે લોકોમાં વાહવાહી થઈ જતી….! દાદા, પિતા અને કાકા પાસેથી તબલાની બારીકાઈ શીખતો ગયો. પહેલેથી જ સાંભળવાનો ખૂબ શોખ એટલે ઉસ્તાદ અલ્લારખા સાહેબ/ઝાકીર ભાઈ, ગુલામઅલી સાથે સંગત કરે છે એ અબ્દુલ સતાર તારી સાહેબ… બધાને ખૂબ સાંભળું અને એમાં મારુ કંઈક વિશેષ ઉમેરી પ્રસ્તુત કરું કે લોકોને કાનમાં એ ગુંજતું રહે. ભજનમાં ઠેકા-તાલ-તિહાઈ આમ તો બાંધેલા જ હોય પણ એમાં મારા નવતર પ્રયોગો ઉમેરી મેં મારી આગવી શૈલી વિકસાવી હતી. નવી તિહાઈ, નવી લગી…. સાંભળનારના કાન જો જાણકાર હોય તો સાંભળતા વ્હેત જ કહી દે કે આ પીસ ઓસમાણે જ વગાડ્યો છે..એટલી મૌલિકતા મેં કેળવી હતી. મારા આ પ્રયોગોનો ઉપયોગ આજે પણ તબલા વગાડનારા કરે છે, જેનો મને ખુબ આનંદ છે.વાતચીત આગળ ધપાવતાં સર કહે છે કે નારાણબાપુએ મને કહ્યું હતું કે તારે તારી આજીવિકા/ઘર ચલાવવાનું છે એટલે બીજા કલાકારો સાથે પણ વગાડવા માટે તું મુક્ત છે. આમ, આ વર્ષો દરમ્યાન અનેક કલાકારો સાથે મેં તબલાની સંગત કરી.

ઓસમાણ મીરની જિંદગીમાં, અધ્યાત્મ સાથે જોડાયેલી બે વિભૂતીનો ખૂબ જ મહત્વપૂર્ણ રોલ રહ્યો, ઉપર કહ્યું તેમ, એક તો ભજનિક- સુરતાના આરાધક નારાયણ સ્વામી અને બીજા, આપણા સૌના આદરણિય પરમપૂજ્ય મોરારીબાપુ.
તબલાવાદક ઓસમાણ હવે ગાયક ઓસમાણ કેવી રીતે બન્યા એ વાત પણ ખૂબ જ રસપ્રદ છે.

ગુરુપૂર્ણિમા નિમિતે બાપુને ત્યાં થતાં આયોજનોમાં એકવાર ઓસમાણ સર કલાકારો સાથે તબલા સંગત કરવા ગયેલા. ત્રણ-ચાર દિવસના રોકાણમાં, રાત્રે પ્રોગ્રામ હોય પણ દિવસ દરમ્યાન ફુરસતના સમયે બધા કલાકારો સાથે ગાતાં- વગાડતાં મોજમસ્તી કરતાં રહેતા. એમાં એક દિવસ બાપુના દીકરા પાર્થિવભાઈએ ઓસમાણને ગાતા સાંભળ્યા.. એમને ઓસમાણની ગાયકીમાં કંઈક તો વાત છે, એમ લાગતાં બાપુને વાત કરી કે તબલાની સાથોસાથ ઓસમાણ મીરની ગાયકી પણ ખૂબ સરસ છે. બાપુએ ઓસમાણ સરને, રાતના પ્રોગ્રામમાં અંતે ભૈરવીમાં કંઈક ગાઈને પ્રોગ્રામ સમાપન કરવા કહ્યું. દસેક મિનિટનો સમય ફાળવ્યો હતો પણ ઓસમાણે ગાવાનું શરૂ કર્યું એ સાથે જ આખોયે શ્રોતાવર્ગ, બાપુ, અને ખુદ ઓસમાણ સર..બધા જ એવી તો ભાવસમાધીમાં ડૂબી ગયા કે ગાવાનું સતત દોઢેક કલાક ચાલ્યું… અને અંતે બાપુ- ઓસમાણ સર સહિત દરેકની આંખમાં આંસુ હતાં… ભાવમય વાતાવરણમાં પોતે કરેલી, પહેલી ગાયન પ્રસ્તુતિ વિષે વાત કરતાં ઓસમાણ સર ખૂબ ભાવુક થઈ જાય છે!… બસ, આ પછીથી ‘ગાયક’ ઓસમાણ સર છવાવાં લાગ્યા. તબલાંવાદક ઓસમાણને ગાયક ઓસમાણ બનાવવમાં મારા ગુરુનો સિંહફાળો છે,એમ કહેતાં ઓસમાણ સર ભાવુક થઈ ખૂબ જ આદર અને પ્રેમપૂર્વક ગુરુ સાથેના સ્મરણો વાગોળે છે.
(ક્રમશ)