ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે આયોજિત બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠકમાં કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૌહાણે ભારતીય જ્ઞાન પ્રણાલી અને તેના નૈતિક મૂલ્યો પર ભાર મૂકતા પ્રેરક ઉદબોધન કર્યું હતું. રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન સહિતના વિષય તજજ્ઞોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણમાં આધુનિક બદલાવોની સાથે આપણી મૂળભૂત મૂલ્ય પરંપરાઓને જાળવી રાખવી અનિવાર્ય છે.
કુલપતિએ જણાવ્યું કે ઋષિકુળથી લઈને આજ સુધી શિક્ષણનો આત્મા પવિત્રતા, સત્ય અને અધ્યાત્મ જ રહ્યો છે. માણસ પ્રગતિની દોડમાં જ્યારે પોતાની જ્ઞાન પરંપરાથી ફંટાય છે, ત્યારે તે સામાજિક રીતે ફંગોળાઈ જાય છે. આ સ્થિતિ ટાળવા માટે સબળ જ્ઞાન પરંપરાઓને પુનજીર્વિત કરવી અને તેને અનુસરવી એ સમયની માંગ છે. આપણી પ્રાચીન પ્રણાલીએ જ વિશ્ર્વને શાંતિનો પાઠ ભણાવ્યો છે, જે પ્રકૃતિ અને બ્રહ્માંડ સાથેના એકત્વનો બોધ કરાવે છે. ભારતીય જ્ઞાનના મહત્વ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે આઈન્સ્ટાઈન અને બર્ટ્રાન્ડ રસેલ જેવા મહાનુભાવોએ પણ ભારતીય જ્ઞાનમાં મનુષ્યજાતનું કલ્યાણ અને વિશ્ર્વશાંતિની સંભાવનાઓ જોઈ હતી. આ બેઠકમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગના અધ્યક્ષો, ડીન તેમજ ડો. મયંક સોની સહિતના બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ અભ્યાસક્રમોમાં રિસર્ચ અને ભારતીય જ્ઞાન પ્રણાલીના સમન્વય પર ચર્ચા કરવાનો હતો.



