દેશના હેલ્થ સેક્ટર માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
કલમ 40, 43 અને 46માં ‘કોર્ટ દ્વારા અપાતી સજા કે દંડ’ (Fine) શબ્દ હટાવીને ‘વહીવટી દંડ’ શબ્દ ઉમેરાયો
- Advertisement -
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2010માં મોટો સુધારો કર્યો
ખાસ ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશના હેલ્થ સેક્ટર માટે કેન્દ્ર સરકારે એક મોટો રાહતભર્યો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2010માં મોટો સુધારો કર્યો છે. જન વિશ્વાસ અધિનિયમ-2026 હેઠળ કરાયેલા આ ફેરફાર મુજબ, હવે હોસ્પિટલો કે નાના ક્લિનિકો દ્વારા થતી વહીવટી અથવા કાગળની નાની ભૂલો પર જેલની સજા નહીં થાય. સરકારે આવી ભૂલો માટે હવે માત્ર વહીવટી સ્તરે આર્થિક દંડ વસૂલવાનું નક્કી કર્યું છે. આ કાયદાને વ્યવહારુ બનાવવા માટે તેની પાંચ મુખ્ય કલમો 40, 41, 43, 44 અને 46માં ફેરફાર કરાયા છે. તેમાંથી કલમ 40, 43 અને 46માં ‘કોર્ટ દ્વારા અપાતી સજા કે દંડ’ શબ્દ હટાવીને ‘વહીવટી દંડ’ શબ્દ ઉમેરાયો છે. આ ટેકનિકલ ફેરફારથી નાની ભૂલો હવે ગુનાહિત શ્રેણીમાં નહીં આવે અને કોર્ટના ચક્કર કાપવાને બદલે વહીવટી સ્તરે જ કેસનો નિકાલ થઈ શકશે.
- Advertisement -
ભૂલની ગંભીરતા જોઈને દંડ નક્કી થશે
કાયદાની કલમ 44માં કરાયેલા સુધારા મુજબ, હવે નિયમોના ઉલ્લંઘન પર સીધી એકસરખી મોટી કાર્યવાહી કરવાને બદલે ભૂલની ગંભીરતા તપાસવામાં આવશે. નવા નિયમ હેઠળ નાની અને મોટી ભૂલો વચ્ચે સ્પષ્ટ તફાવત રાખીને તે મુજબ અલગ-અલગ દંડ નક્કી થશે. આનાથી કોઈપણ હોસ્પિટલ પર નાની માનવીય ભૂલ માટે અન્યાયી કે બહુ મોટો દંડ લાદી શકાશે નહીં.
સુનાવણી અને અપીલ માટે સ્પષ્ટ વ્યવસ્થા
સરકારે કલમ 41 હેઠળ નિર્ણય લેતી ઓથોરિટીની સત્તાઓ વધારી દીધી છે. હવે આ ઓથોરિટી કલમ 40, 43 અને 44ને લગતા તમામ કેસોની સીધી સુનાવણી કરશે. નવી વ્યવસ્થામાં કોઈપણ હોસ્પિટલ પર દંડ લગાવતા પહેલાં તેને પોતાની વાત રજૂ કરવાની પૂરી તક અપાશે. જો કોઈ પક્ષ ઓથોરિટીના નિર્ણયથી સંતુષ્ટ ન હોય, તો તેને ઉપલી કોર્ટમાં અપીલ કરવાનો કાનૂની અધિકાર પણ રહેશે.
દર્દીઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં
આ સુધારાથી હેલ્થ સેક્ટરમાં બિનજરૂરી કાનૂની વિવાદો અને કોર્ટ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. લાંબી અને જટિલ વહીવટી પ્રક્રિયાઓને સરળ બનાવવાના આ પ્રયાસથી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓને કામગીરીમાં વધુ સરળતા મળશે તેમજ તબીબી સેવાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાશે. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ રાહત માત્ર દસ્તાવેજી અને વહીવટી પ્રક્રિયાઓ સુધી જ મર્યાદિત રહેશે. દર્દીઓની સારવાર, તેમની સુરક્ષા, સંભાળના ધોરણો અને આરોગ્ય સેવાઓની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. મંત્રાલયના જણાવ્યા અનુસાર, તમામ હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ માટે મેડિકલ સ્ટાન્ડર્ડ, દર્દી સુરક્ષા પ્રોટોકોલ અને ગુણવત્તાના માપદંડોનું કડક પાલન ફરજિયાત રહેશે. દર્દીઓના હિતો અને તેમની સલામતી સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે અને તેમાં કોઈ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.આ સુધારાથી હેલ્થ સેક્ટરમાં લાંબા સમયથી ચાલી આવતી બિનજરૂરી કાનૂની પ્રક્રિયાઓ અને વહીવટી જટિલતાઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. દર્દીઓની સલામતી અને ગુણવત્તાયુક્ત સારવાર સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે અને ભવિષ્યમાં પણ તે જ દિશામાં નીતિગત નિર્ણયો લેવામાં આવશે.




