જૂનાગઢ શહેરના રસ્તામાં પડેલા ખાડાને બુરવા માટે આવેલા એનસીપીના 10 જેટલા કાર્યકરોની પોલીસે અટક કરી હતી. છેલ્લા કેટલાક સમયથી શહેરના રસ્તામાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે એનસીપીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલના માર્ગદર્શનમાં એનસીપીના કાર્યકરો ગાંધીચોક ખાતે એકઠા થયા હતા. પાવડા, તગારા જેવા સાધનો સાથે આવી ખાડા બૂરવાની શરૂઆત કરે ત્યાં જ પોલીસે અટકાયત શરૂ કરી દીધી હતી. રેશ્મા પટેલને ટીંગાટોળી કરીને મહિલા પોલીસે ઉપાડ્યા હતા. દરમીયાન કુલ 10 જેટલા કાર્યકરોની અટક કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઇ જવામાં આવ્યા હતા. બાદમાં તમામનો છૂટકારો થયો હતો. આ તકે રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, પ્રજાના ટેક્ષના નાણાંનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેથી રોડ રસ્તા વારંવાર તૂટી જાય છે. વધુમાં આક્ષેપ સાથે રેશ્મા પટેલે જણાવ્યું હતું કે,સમગ્ર દેશમાં ખાડાના કારણે થતા અકસ્માત અને મોતમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપે. અમારી પ્રજાલક્ષી લડતને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જોકે, અમે ડરવાના કે દબાવાના નથી અને પૂરી મજબૂતાઇથી સરકારનો સામનો કરી પ્રજાના મુદ્દાને લઇ લડત કરીશું.

અહેવાલ-હુસેન શાહ [જુનાગઢ]