ખાસ-ખબર ન્યૂઝ જસદણ
જસદણની છાયાણી પરિવારની વાડી ખાતે અવતાર ટ્રસ્ટ દ્વારા પોતાની સેવાકીય પ્રવૃત્તિઓના 11માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે રક્તદાન મહાદાન અને રક્તદાન એટલે જીવનદાનના સંકલ્પ સાથે બ્લડ ડોનેશન કરવા માટે રક્તદાન કેમ્પ-2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમા જસદણ શહેર તથા આસપાસના ગામોમાંથી તમામ વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કરી જસદણ જેવા નાના સેન્ટરમાં પણ વિક્રમજનક 271 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ સાથે અવતાર ટ્રસ્ટ વિવિધ સામાજિક જનજાગૃતિ માટે પણ હંમેશા અગ્રેસર રહ્યું છે, નાની દીકરીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પને ખુલ્લો મુકી સ્ત્રી સન્માન અને સમાનતાની ભાવનાનો સંદેશ આપી તે દિશા માટે આયોજકોએ અનોખો ચીલો ચીતરીને પ્રેરણારૂપ દ્રષ્ટાંત પૂરું પાડ્યું. આ કેમ્પમાં અવતાર ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમમાં સેવા આપનાર તમામ દાતાશ્રીઓ તથા અમૂલ્ય મહાદાન રક્તદાન કરનાર દરેક રક્તદાતાશ્રીઓને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરી તેમને બિરદાવી તેમણે આપેલ યોગદાન બદલ સૌનો આભાર માન્યો હતો.આ તકે જણાવવાનું કે ટ્રસ્ટ દ્વારા આ 5મો બ્લડ ડોનેશન કેમ્પ હતો, તેમજ સંસ્થા જસદણ આસપાસના વિસ્તારોમાં સામાજિક, પર્યાવરણીય, આરોગ્ય અને જીવદયા ક્ષેત્રે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓમાં અવિરત કાર્ય કરી રહી છે.