મોરબી-હળવદ હાઈવે પર લોહિયાળ અકસ્માત
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મોરબી-હળવદ હાઈવે પર ચરાડવા ગામની સીમમાં રાત્રિના સમયે એક કંપારી છૂટી જાય તેવો ગોઝારો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. એક ફેક્ટરીમાંથી બહાર નીકળીને રોડ ક્રોસ કરી રહેલા ભારે ભરખમ ડમ્પર સાથે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તે ડમ્પર સાથે ટકરાતાં ફંગોળાઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનામાં કારમાં સવાર ૭ પૈકી પ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે ૨ લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના માનસર ગામ પાસે એક બાઈક સ્લીપ થઈ ગયું હતું, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રણછોડગઢ ગામના કેટલાક યુવાનો પોતાની કારમાં તેને લઈને હોસ્પિટલ તરફ દોડી રહ્યા હતા. રાત્રિના આશરે ૯:૩૦ વાગ્યાની આસપાસ તેમની કાર ચરાડવા ગામ નજીક આવેલા એક પેટ્રોલ પંપની સામે પહોંચી, ત્યારે જ એક કારખાનામાંથી નીકળેલા ડમ્પરે અચાનક વળાંક લીધો હતો. હોસ્પિટલ પહોંચવાની ઉતાવળમાં રહેલી કારના ચાલકે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હોવા છતાં કાર સીધી ડમ્બરમાં ઘૂસી ગઈ હતી.
મૃતકોમાં સુરેશ સિહોરા, વિરમ દઢેયા, પરેશ દઢેયા અને ભરત દઢેયાનો સમાવેશ થાય છે. જ્યારે પ્રકાશ દઢેયા અને દિલીપ દઢેયાની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. હાલમાં મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર તમામ મુસાફરો લોખંડના પતરાની વચ્ચે દબાઈ ગયા હતા. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક JCB મશીનની મદદ લેવામાં આવી હતી. જેસીબી વડે કારના પતરાને ખેંચીને અંદર ફસાયેલા લોકોને માંડ માંડ બહાર કાઢવામાં આવ્યા હતા. કમનસીબે ૩ યુવાનોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય રના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.




