નોટિસની બજવણી કર્યા વગર પોલીસે કરેલી ધરપકડ અને કસ્ટડી ગેરકાયદે હોવાની આરોપીના વકીલની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કાયદાના ઈતિહાસ અને આંટીઘુંટીમાં ક્યારેક ભાગ્યે જ ઘટના ઘટેલ હોય તેવો કિસ્સો રાજકોટની અદાલતમાં બનવા પામેલ છે. જેમાં જુદા જુદા રોકાણકારોને યુ.એસ.ટી.ડી. કરન્સીમાં ઈન્વેસ્ટમેન્ટ કરાવવાના બહાને રૂા. 55,00,000 મેળવી વિશ્ર્વાસઘાત કરી એકબીજાને મદદગારી કરવા સંબંધે રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સુરતના રહીશ ચાર આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો હતો.
ગુન્હાના કામે સુરતથી ધરપકડ પામેલ સિદ્ધાર્થ રાજુભાઈ ભંડેરીને રીમાન્ડ રીપોર્ટ સાથે રાજકોટની અદાલતમાં રજૂ કરી પ્રોડકશન કરવામાં આવેલું તે પ્રોડકશન અને કસ્ટડી જ ગેરકાયદેસર હોવા સંબંધની આરોપી તરફેની રજૂઆતો ગ્રાહ્ય રાખી આરોપીની ધરપકડ અને કસ્ટડી ગેરકાયદેસર ઠેરવતો સીમાચિન્હરૂપ ચૂકાદો રાજકોટના મહે. એડી. ચીફ જ્યુડી મેજિ. એમ. જી. શાહે ફરમાવેલો છે. કેસની હકીકત જોઈએ તો રાજકોટમાં નીલસીટી ક્લબમાં રહેતા ફરિયાદી દેવેન દિલીપભાઈ મહેતાએ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ રાજુભાઈ મોહનભાઈ ભંડેરી, સિદ્ધાર્થ રાજુભાઈ ભંડેરી, અંકિત મુકેશભાઈ અજુડીયા, જતીન દેવેન્દ્રભાઈ કોઠારી (રહે. બધા સુરતનાઓ) વિરુદ્ધ એ મતલબની ફરિયાદ નોંધાવેલી કે આરોપીઓએ સાથે મળી ફરિયાદીને યુ.એસ.ટી.ડી. લઈ રોકાણ કરો તો સારું વળતર મળશે અને પૈસા રોકાણ કર્યા બાદ રોજ સાંજે પ્રોફીટ સાથે પરત મળી જશે તેમ ભરોસો આપી ફરિયાદી પાસે એચ.એમ. આંગડીયા પેઢી મારફતે રૂા. 55,00,000 ટ્રાન્સફર કરાવી અને રકમ મેળવી લીધા આરોપીઓએ ફરિયાદીને અવારનવાર બહાના બતાવી સમય પસાર કરી ફરિયાદીને યુ.એસ.ટી.ડી. કે તેમના રૂા. 55,00,000 પરત નહીં આપી ફરિયાદીને વિશ્ર્વાસમાં લઈ ગુન્હાહીત વિશ્ર્વાસઘાત કરી એકબીજાની મદદગારી કર્યા અંગેનો ગુન્હો નોંધવામાં આવેલો હતો. ઉપરોક્ત નોંધાયેલા ગુન્હાના કામે આરોપીઓ પૈકી સિદ્ધાર્થ રાજુભાઈ ભંડેરીની તા. 5-1-2025ના સુરતથી ધરપકડ કરી રાજકોટ લાવી રાજકોટની અદાલતમાં એરેસ્ટ મેમો એફઆઈઆરની નકલ, ચેકલીસ્ટ ફોર્મ તથા ગ્રાઉન્ડ ઓફ એરેસ્ટ તેમજ ત્રણ દિવસની પોલીસ રીમાન્ડની કસ્ટડીની માગણી કરતા રીપોર્ટ સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવેલો, તે સમયે આરોપી તરફે એવી રજૂઆત કરવામાં આવેલી કે બી.એન.એસએસ.ની કલમ 35ની જોગવાઈ તથા નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન મુજબ આરોપીને નોટીસની બજવણી કરવામાં આવેલી નથી, આરોપી સામેના આક્ષેપીત ગુન્હાની મહતમ જોગવાઈ સાત વર્ષ સુધીની હોય આરોપીને નોટીસ આપ્યા સિવાય સીધી ધરપકડ થઈ શકે નહીં જેથી કરવામાં આવેલી ધરપકડ અને આરોપીની કસ્ટડી ગેરકાયદેસર હોય જે સંબંધે સરકાર તરફે રજૂઆત કરવામાં આવેલી કે આરોપીને નોટીસની બજવણી કરવામાં આવેલી છે તેથી ધરપકડ અને કસ્ટડી કાયદેસરની ગણવી જોઈએ.
બંને પક્ષોની રજૂઆતો, કાયદાની જોગવાઈ તથા પોલીસ પેપર્સ ધ્યાને લેતાં નોટીસ જાવક નં. 7819-2024વાળુ કવર લક્ષે લેતાં અધુરુ એડ્રેસ હોવાથી મોકલનારને પરતના પોસ્ટના શેરા સાથે પરત ફરેલ હોય જેથી નોટીસની બજવણી આરોપીને થયેલી નહીં હોવાનું સ્પષ્ટ જણાય છે.
- Advertisement -
તદુપરાંત જાવક નં. રૂબરૂ-2024વાળી નોટીસ લક્ષે લેવામાં આવે તો તે નોટીસની બજવણી આરોપીના સસરાને કરવામાં આવેલી હોવાનો શેરો મારેલો હોવાનું જણાય છે તેવા સંજોગોમાં સદર નોટીસની બજવણી પણ આરોપીને થયેલી હોવાની હકીકત માની શકાય તેવી નથી, ત.ક. અમલદાર દ્વારા આરોપીને કાયદેસરની નોટીસની બજવણી કર્યા વિના ધરપકડ કરેલાની હકીકત સ્પષ્ટપણે જણાય આવે છે તેવા સંજોગોમાં ત.ક. અમલદાર દ્વારા કરવામાં આવેલી ધરપકડ કાયદેસર ગણી શકાય નહીં તેવું અમારું માનવું છે જેથી આરોપીની કસ્ટડી કાયદેસરની ઠરાવવામાં આવતી નહીં હોવાનું માની પ્રોડકશન તથા રીમાન્ડ રીપોર્ટ અન્વયે કાર્યવાહી કરવા પાત્ર રહેતી ન હોય તેવો હુકમ ફરમાવતા નવા કાયદાની અમલવારી બાદની આ પ્રથમ ઘટના હોય કાનુની આલમ તથા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગયો છે.
ઉપરોક્ત કામમાં આરોપી સિદ્ધાર્થ ભંડેરી વતી રાજકોટના એડવોકેટ સુરેશ આર. ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, નિશાંત જોષી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, જસ્મીન દુધાગરા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ રોકાયેલા હતા.