રૂા.૯૬૨.૮૩ કરોડના ખર્ચે નિર્માણાધિન ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રીજના નિર્માણ બાદ યાત્રિકો તથા સ્થાનિકોને બેટ દ્વારકા જવા માટે સરળતા રહેશે
દ્વારકા
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઓખા અને બેટ- દ્વારકા વચ્ચે ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રીજના ચાલુ કામનું હોવરક્રાફટમાં બેસીને નિરીક્ષણ કર્યું હતું..
- Advertisement -
દ્વારકા જિલ્લાના વિકાસ કામોના લોકાર્પણ / ખાતમુહૂર્ત કરવા આવેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે રૂા.૯૬૨.૮૩ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ સિગ્નેચર ઓવરબ્રીજનાં ચાલુ કામનું નિરીક્ષણ કર્યું હતું.
બ્રીજની કુલ લંબાઇ ૨૩૨૦ મીટર રહેશે જેમાં કેબલ સ્ટેઇડ બ્રીજ ૯૦૦ મીટર રહેશે. બ્રીજના મુખ્ય ગાળાની લંબાઇ ૫૦૦ મીટર રહેશે. પુલની પહોળાઇ ૨૭.૨૦ મીટર રહેશે જેમાં ચાર માર્ગીય પુલ તથા ૨.૫૦ મીટર પહોળી ફુટપાથ બન્ને તરફ બનાવવામાં આવશે. ફુટપાથ બનવાથી યાત્રિકો/ શ્રધ્ધાળુઓ સુરક્ષિત રીતે ચાલીને પણ ઓખાથી બેટ દ્વારકા જઇ શકશે. ફુટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલથી ૧ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. જેનાથી બ્રીજ ઉપરની સ્ટ્રીટ લાઇટ પણ ઝળહળશે.
માર્ચ ૨૦૧૮ થી શરૂ થયેલ બ્રીજનું કામ પુર્ણ થવાની સંભવિત તારીખ એપ્રિલ-૨૦૨૨ છે. આ બ્રીજ બનવાથી ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે આવાગમનનો સેતુ રચાશે. દ્વારકા ઐતિહાસિક સ્થળ હોવાથી શ્રધ્ધાળુ દ્વારકા તથા બેટ દ્વારકા દર્શન માટે આવતા હોય છે ત્યારે આ પુલનું નિર્માણ થવાથી દર્શનાર્થીઓ તથા સ્થાનિક રહિશોને આવાગમન માટે ખુબજ સરળતા રહેશે.
- Advertisement -
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સાથે આ તકે જિલ્લા પ્રભારી અને પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા જામનગરના સાંસદ સભ્ય પુનમબેન માડમ પણ ઉપસ્થિત રહીને બ્રીજના ચાલુ કામનું નિરીક્ષણ કર્યું હતું.
સાગર સંઘાણી, જામનગર.


