નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કલેક્ટરોને કડક તેવર
ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિર પૂર્ણ: અધિકારીઓને શિખામણ આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વહીવટી પારદર્શિતા પર ભાર મૂક્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.8
ગાંધીનગર ખાતે આયોજિત મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર’નું ગુરુવારે સાંજે સમાપન થયું હતું. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત 8 સેક્રેટરીઓ અને 34 કલેક્ટરો સહિતના 250થી વધુ ઉચ્ચ અધિકારીઓને સંબોધતા અત્યંત કડક અને સ્પષ્ટ શબ્દોમાં વહીવટી સુધારા માટે હાકલ કરી હતી. સંઘવીએ અધિકારીઓને ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે, જે ફાઈલોમાં કોઈ કાયદાકીય કે વહીવટી અવરોધ નથી, તેવી ફાઈલોને બિનજરૂરી રોકી રાખવાને બદલે સમયસર નિકાલ કરવાની ટેવ પાડવી જોઈએ. ચિંતન શિબિરના સમાપન સત્રમાં હર્ષ સંઘવીએ અધિકારીઓની કાર્યશૈલી પર કટાક્ષ કરતા કહ્યું કે, “ક્યાં ડબલ ટાઈમ લેવામાં આવે છે અને ક્યાં અડધા સમયમાં કામ પતી જાય છે, તેની ઉપર બેઠેલા તમામ સત્તાધીશોને ખબર હોય જ છે.” તેમણે ઉમેર્યું કે સમય આવે ત્યારે અધિકારીના કામનું મૂલ્યાંકન આપોઆપ થઈ જશે. અધિકારીઓએ ફાઈલ ક્લિયરન્સમાં વિલંબ ન કરીને પ્રજાલક્ષી કાર્યોમાં ઝડપ લાવવી જોઈએ તેવી હિમાયત તેમણે કરી હતી. ગુડ ગવર્નન્સ (સુશાસન) અને રેવન્યુ રિફોર્મ્સ (મહેસૂલી સુધારા)ની અસર આગામી વર્ષમાં પ્રજાને જોવા મળશે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
ગુજરાત બનશે મોડેલ: સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ માટે ટ્રેનિંગ
- Advertisement -
રાજ્યમાં હાઈજીન (આરોગ્યપ્રદ) વાતાવરણ ઊભું કરવા માટે હર્ષ સંઘવીએ એક નવતર સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, લારી પર વેચાતું સ્ટ્રીટ ફૂડ શુદ્ધ અને હાઈજેનિક રીતે લોકોને મળે તે માટે વેચાણકર્તાઓ ગ્લોવ્ઝ પહેરે અને સ્વચ્છતા જાળવે તે જરૂરી છે. આ માટે એક મહિનાની ખાસ ટ્રેનિંગ આપીને ગુજરાતને આ ક્ષેત્રમાં દેશનું ‘મોડેલ રાજ્ય’ બનાવવા માટે તેમણે આયોજન કરવા સૂચવ્યું હતું.
નિર્ણય લેતી વખતે દિલથી વિચારો
અધિકારીઓને નૈતિકતાનો પાઠ ભણાવતા ડેપ્યુટી ઈખએ કહ્યું કે, “જ્યારે તમે કોઈ નિર્ણય લો છો, ત્યારે એ વિચારો કે તમારા એક નિર્ણયથી કોઈ એક વ્યક્તિને સાચવવામાં બીજાનું કેટલું ખોટું થઈ રહ્યું છે.” તેમણે અધિકારીઓને વ્યક્તિગત હિતને બદલે જાહેર હિતને પ્રાધાન્ય આપવા અને પારદર્શક રીતે કામ કરવા શિખામણ આપી હતી. આ દરમિયાન તેમણે ભરૂચ જિલ્લાની ત્વરિત નિર્ણય પ્રક્રિયાના ઉદાહરણ આપીને ત્યાંના વહીવટને બિરદાવ્યો હતો, પરંતુ સાથે જ અન્ય જિલ્લાઓને તેમાંથી બોધપાઠ લેવા સૂચન કર્યું હતું. વહીવટી કામકાજની સાથે હર્ષ સંઘવીએ નાગરિકોની પાયાની સુવિધાઓ પર પણ કલેક્ટરોનું ધ્યાન દોર્યું હતું. તેમણે એસ.જી. હાઈવેથી સાણંદ સુધીના રસ્તાની સફાઈ અંગે પ્રશ્ન ઉઠાવતા નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, “નાગરિકો વહીવટનું મૂલ્યાંકન સ્વચ્છતાના આધારે કરે છે.” જે એજન્સીઓ સફાઈમાં નિષ્ફળ રહે, તેમને કોઈની પણ ભલામણ સાંભળ્યા વગર બ્લેકલિસ્ટ કરવા માટે તેમણે કલેક્ટરોને ફ્રી-હેન્ડ આપ્યો હતો. આ ઉપરાંત, કલેક્ટર કચેરીઓમાં શૌચાલયો અને ધાર્મિક-પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા જાળવવા માટે કલેક્ટરોએ પોતે લીડ લેવી જોઈએ તેવું જણાવ્યું હતું



