AIનો આધ્યાત્મિક જગતમાં પ્રવેશ!
સિઓલના જોગયેસા મંદિરમાં બૌદ્ધ સંતોની હાજરીમાં અનોખી વિધિએ વિશ્ર્વને ચોંકાવ્યું
- Advertisement -
ગાબીએ જણાવ્યુ કે હું બૌદ્ધ સાધુ તરીકે સેવા આપીશ! : રોબોટની ઊંચાઈ 130 સે.મી.
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સનો પ્રભાવ હવે માત્ર ટેક્નોલોજી, ઉદ્યોગો કે ઓફિસો સુધી મર્યાદિત રહ્યો નથી. વિશ્વભરમાં એઆઈના વધતા ઉપયોગને કારણે રોજગાર ક્ષેત્રમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અનેક મલ્ટીનેશનલ કંપનીઓ માનવીય કર્મચારીઓની જગ્યાએ ઓટોમેશન અને એઆઈ આધારિત સિસ્ટમોને પ્રાધાન્ય આપી રહી છે. દર થોડા મહિનામાં થતી છટણીઓના કારણે યુવાનોમાં ભવિષ્ય અંગે અનિશ્ચિતતા વધી રહી છે. શું એઆઈ અમારી નોકરીઓ છીનવી લેશે? એવો સવાલ આજે વિશ્વભરના લાખો લોકોના મનમાં ઊભો થયો છે. આવી પરિસ્થિતિ વચ્ચે દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં બનેલી એક અનોખી ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. જોગયેસા મંદિર ખાતે ગાબી નામના હ્યુમનોઈડ રોબોટને બૌદ્ધ સાધુ તરીકે દીક્ષા આપવામાં આવી હતી. ટેક્નોલોજી અને આધ્યાત્મિકતાના આ અનોખા સંગમે ભવિષ્ય અંગે અનેક નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે.
માહિતી અનુસાર, આશરે 130 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા આ હ્યુમનોઈડ રોબોટ માટે મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક વિધિ યોજાઈ હતી. વિધિ દરમિયાન બૌદ્ધ સંતોએ પરંપરાગત રીતિ-રિવાજો મુજબ ગાબીને 108 મણકાની પવિત્ર માળા પહેરાવી હતી. તેના હાથ પર વિશેષ ધાર્મિક ચિહ્નરૂપ સ્ટિકર પણ લગાવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે દક્ષિણ કોરિયામાં બૌદ્ધ સાધુ તરીકે દીક્ષા લેતા વ્યક્તિને કડક ધાર્મિક નિયમો અને પરંપરાગત વિધિઓમાંથી પસાર થવું પડતું હોય છે, જેમાં અગરબત્તી અને અગ્નિ સાથે જોડાયેલી કેટલીક ધાર્મિક પ્રક્રિયાઓનો પણ સમાવેશ થાય છે. જોકે, રોબોટ હોવાને કારણે ગાબીને કેટલીક વિધિઓમાંથી છૂટછાટ આપવામાં આવી હતી. દીક્ષા પૂર્ણ થયા બાદ ગાબીએ ઉપસ્થિત લોકોને સંબોધિત કરતાં જણાવ્યું કે, હું બૌદ્ધ સાધુ તરીકે સેવા આપીશ. આ એક જ વાક્યે સમગ્ર કાર્યક્રમને વધુ ચર્ચાસ્પદ બનાવી દીધો હતો. મંદિર પરિસરમાં હાજર લોકો માટે આ ક્ષણ આશ્ચર્યજનક અને ટેક્નોલોજીના નવા યુગની ઝાંખી સમાન બની હતી. વિશ્વભરના ટેક્નોલોજી નિષ્ણાતો અને સામાજિક વિશ્લેષકો માની રહ્યા છે કે, આ ઘટના માત્ર એક પ્રતીકાત્મક કાર્યક્રમ નથી, પરંતુ ભવિષ્યમાં એઆઈ અને રોબોટિક્સ કયા સ્તરે પહોંચશે તેનો સંકેત પણ છે.
કેટલાક લોકો આ બદલાવને આધુનિક યુગની નવી ક્રાંતિ ગણાવી રહ્યા છે. તેમના મત મુજબ, ટેક્નોલોજીનો ઉપયોગ ધર્મ અને આધ્યાત્મિક જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈ શકે છે. બીજી તરફ, કેટલાક લોકોનું માનવું છે કે આધ્યાત્મિકતા માત્ર જ્ઞાન કે માહિતી સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં માનવીય લાગણીઓ, અનુભૂતિ, કરુણા અને સંવેદનાઓનું વિશેષ મહત્વ છે, જે કોઈ મશીન સંપૂર્ણ રીતે વ્યક્ત કરી શકે નહીં. સામાજિક મંચો પર પણ આ ઘટનાને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકોએ હાસ્યસભર ટિપ્પણીઓ કરતાં કહ્યું કે, ભવિષ્યમાં એઆઈ પૂજારી ઓટોમેટિક કારમાં આવીને લગ્ન કરાવશે, કથા કરશે અને ધાર્મિક વિધિઓ પણ પૂર્ણ કરાવશે. તો કેટલાકે એવી પણ આશંકા વ્યક્ત કરી કે, જો રોબોટ્સને સંપૂર્ણ ધાર્મિક જ્ઞાન આપવામાં આવશે તો તેઓ પોતાનાં ડિજિટલ મઠ અથવા અલગ આધ્યાત્મિક સમુદાયો પણ ઊભા કરી શકે. આ સમગ્ર ઘટનાએ એક બાબત સ્પષ્ટ કરી છે કે, એઆઈ હવે માત્ર માનવીની સહાયક ટેક્નોલોજી નથી રહી, પરંતુ તે સમાજના પરંપરાગત અને સંવેદનશીલ ક્ષેત્રોમાં પણ પ્રવેશ કરી રહી છે. દક્ષિણ કોરિયામાં બનેલી આ અનોખી ઘટના ભવિષ્યના એવા યુગની ઝાંખી સમાન માનવામાં આવી રહી છે, જ્યાં ટેક્નોલોજી અને આધ્યાત્મિકતા વચ્ચેની સરહદો વધુ ધૂંધળી બનતી જશે.



