રાજ્યમાં પ્રી-મોન્સૂન વરસાદ-વાવાઝોડાનો હાહાકાર, એકનું મોત
અમદાવાદમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ, વૃક્ષો ધરાશાયી: વડોદરામાં સોલાર પેનલો ઊડી
- Advertisement -
અમદાવાદમાં મધ્યરાત્રે તોફાન, ફ્લાઇટ્સ ડાયવર્ટ અને વૃક્ષો ધરાશાયી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. 1 જૂનની રાત્રે અને 2 જૂનની વહેલી સવારે અમદાવાદ સહિત નવસારી, વલસાડ, બોટાદ, પાટણ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવન, ધૂળની ડમરીઓ અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત નાગરિકોને ગરમીથી મોટી રાહત મળી છે, પરંતુ વાવાઝોડાને કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા અનેક શહેરો અને ગ્રામ્ય પંથકોમાં અંધારપટ છવાયો હતો. દક્ષિણ ગુજરાતમાં આ કમોસમી વરસાદના કારણે આંબાના પાક (કેરી) પર નિર્ભર ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. દાહોદમાં સોમવારે સાંજે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલું મહાકાય સાઈન બોર્ડ તેજ પવનમાં ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં ઉસારવણ ગામના ડુંગર ફળિયાના 60 વર્ષીય શક્કરિયા નિનામાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બે દિવસ પહેલાં નર્મદામાં મકાન ધરાશાયી થતા 11 વર્ષની બાળકીનું મોત થયું હતું, આમ છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ-વાવાઝોડાના કારણે બે લોકોના જીવ ગયાં છે.
અમદાવાદ શહેરમાં 1 જૂનની મોડી રાત્રે 10:00 વાગ્યા બાદ અને ત્યારબાદ મધરાતે 02:30 વાગ્યે ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
પશ્ર્ચિમ અમદાવાદના પાલડી, સરખેજ, જુહાપુરા, બોપલ, જૠ હાઇવે, વાસણા, આશ્રમરોડ, ગોતા, ચાંદલોડિયા અને બોડકદેવમાં 0.5થી 1 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉસ્માનપુરા, ચાંદખેડા, થલતેજ, જોધપુર, સેટેલાઈટ અને રાણીપમાં 0.5 ઇંચ જ્યારે પૂર્વ વિસ્તારના રામોલ, જશોદાનગર અને ઈઝખમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. મણિનગર, નરોડા અને ઓઢવમાં અડધા ઇંચથી ઓછો વરસાદ હતો.
ખરાબ હવામાન અને વિઝિબિલિટી ઘટવાના કારણે અમદાવાદ આવતી 7 ફ્લાઇટ્સને સુરત એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરાઈ હતી. ફાયર બ્રિગેડને સવારે 06:00 વાગ્યા સુધીમાં સોનીની ચાલી, શાહઆલમ, બોડકદેવ, બોપલ, ઇસનપુર, વટવા, નવરંગપુરા, ઘાટલોડિયા, બાપુનગર અને મીઠાખળી સહિત 15 વિસ્તારોમાં વૃક્ષો પડવાની ફરિયાદો મળી હતી. સેટેલાઇટ રોડ પર કાર પર ઝાડ પડતાં ભારે નુકસાન થયું હતું અને રસ્તો બંધ થતાં સવારે વાહનોને ઇછઝજ કોરિડોરમાંથી પસાર કરવા પડ્યા હતા. બાપુનગર અનિલ સ્ટાર્ચ રોડ પર સ્ટ્રીટ લાઈટનો પોલ ધરાશાયી થયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.વાવાઝોડાના કારણે ધાબા પર ફિટ કરેલી સોલાર પેનલો ઉખડીને નીચે ખાબકી.
વરસાદની આગામી આગાહી
3 જૂન સુધી ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં (જામનગર-પોરબંદર સિવાય) છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ રહેશે. જ્યારે 3 અને 4 જૂને વરસાદનો વ્યાપ વધશે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 4થી 6 જૂન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદી ઝાપટાં ચાલુ રહેશે.



