3 માગણીઓનું નિરાકરણ નહીં આવે તો 20મી તારીખથી ભૂખ હડતાળનું આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકારી કર્મચારીઓ પણ પોતાની વિવિધ માગણીઓ મુદ્દે ભાજપ સરકાર સામે આક્રમક બન્યા છે. આરોગ્ય કર્મચારીઓએ પોતાની વિવિધ માગણીઓ મામલે સરકાર સામે આંદોલન છેડ્યું છે. છેલ્લાં 1 મહિનાથી પણ વધારે સમયથી આંદોલન ચાલી રહ્યું હોવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આરોગ્યકર્મીઓ લડી લેવાના મૂડમાં છે.
- Advertisement -
જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ છેલ્લાં 39 દિવસથી હડતાળ પર છે અને થોડા સમય પહેલા તેમણે સરકાર સાથેની વાટાઘાટો બાદ આંદોલન સમેટવાની જાહેરાત કરી હતી. જોકે જાહેરાત બાદ આરોગ્ય કર્મચારીઓમાં અસંતોષની લાગણી જન્મતા આંદોલનને યથાવત રાખવામાં આવ્યું હતું.
આજે સચિવાલયને ઘેરવાની તૈયારી હોવાથી મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા છે અને ચ રોડ, ઘ રોડ, સચિવાલય બસ સ્ટેન્ડ પાસે આરોગ્ય કર્મચારીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ કારણે સચિવાલય ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આરોગ્ય કર્મચારીઓ સચિવાલયનો ઘેરાવો કરવાની સાથે જ 20મી તારીખથી ભૂખ હડતાળ ઉપર ઉતરવાની ચીમકી આપેલી છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના કહેવા પ્રમાણે 8મી ઓગષ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરવામાં આવેલી અને આજ દિન સુધી એક પણ પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું. માટે જો ગુરૂવાર સાંજ સુધીમાં સરકાર 3 પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો રાજ્યના 33 જિલ્લાના તમામ આરોગ્યકર્મીઓ ગાંધીનગરમાં આંદોલનમાં જોડાશે.
- Advertisement -
શું છે માગણીઓ
– આરોગ્ય કર્મચારીઓને ગ્રેડ પે રૂ. 1,900થી વધારીને રૂ. 2,800 કરવા માગ
– કોવિડ સમયમાં કામ કર્યું તે માટે ભથ્થુ આપવાની માગ
– કર્મચારીઓની ફેરણી ભથ્થુ (ઙઝઅ) આપવાની માગ વિરોધના કાર્યક્રમની યાદી
– તા. 15/9ના રોજ ગુરૂવારે સવારે 10:00 કલાકે સચિવાલય ઘેરાવો.
– તા. 16/9ના રોજ શુક્રવારે સવારે 11:00 કલાકે ગાંધીનગરમાં રેલી.
– તા. 17/9/22ના રોજ શનિવારે સવારે 10:30 કલાકે ગાંધીનગરમાં રસ્તા રોકો આંદોલન.
– તા. 19/9/22ના રોજ સોમવારે સવારે 10:00 કલાકે સહપરિવાર સચિવાલય ખાતે ધરણાં.
– તા. 20/9ના રોજ મંગળવારે સવારે 10:00 કલાકથી ભૂખ હડતાળ
તેઓ જ્યાં સુધી ત્રણ પ્રશ્નોના જી.આર., ઠરાવો, પરિપત્રો, આદેશો ન મળે ત્યાં સુધી સચિવાલયની સામે આંદોલન પર ઉતરવા માટે અડગ જણાઈ રહ્યા છે.