12 ગામના ખેડૂતોની હા, 3 ગામના ખેડૂતોની ના !
ડેમ ભરવો કે ન ભરવો ? અધિકારીઓની અસમંજસ !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હળવદના પલાસણ પાસે આવેલ હરપાલ સાગર ડેમને ભરવા માટે ખેડૂતો જીદે ચડ્યા છે જેમાં તેમણે રવિપાક માટે પિયતનું પાણી રિઝર્વ કરીને ખેડૂતોને લાભ થાય તે માટે અધિકારીઓને રજૂઆત કરી હતી જેમાં હરપાલ સાગર ડેમમાંથી હેઠવાસના બારેક જેટલા ગામોને રવિપાક માટે પિયતનો લાભ થઇ શકે તેમ છે તો સાથે હાલમાં જો આ હરપાલ સાગર ડેમ નર્મદાના નીરથી ભરવામાં આવે તો ડેમની ઉપરના ભાગમાં આવેલા ત્રણ જેટલા ગામોના ખેડૂતોના ઉભા પાક પાણીમાં ગરકાવ થઈ જવાની ભીતી પણ સેવાઈ રહી છે જેથી કરીને ખેડૂતો દ્વારા એકબાજુ ડેમ ભરવા અને એકબાજુ ડેમ નહીં ભરવા રજૂઆત કરવામાં આવી હતી જ્યારે આ બંને વચ્ચે અધિકારીઓ અસમંજસમાં મુકાયા હતા. હળવદની જીવાદોરી સમાન હરપાલ સાગર ડેમ હાલ પંદર ફુટથી ઉપરની સપાટીએ હોય અને નર્મદા કેનાલમાંથી પાણી છોડીને થોડોક ભરવામાં પણ આવ્યો હતો જ્યારે આ હરપાલ સાગર ડેમ સંપૂર્ણ ભરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો બુધવારે કેનાલ કાંઠે ઉમટી પડ્યા હતા જેમાં પાંડાતીરથ, ઈશ્વરનગર, સુરવદર, ધનાળા, મેરુપર, સુંદરગઢ, કડિયાણા, ગોલાસણ સહિતના બારેક ગામોને રવિપાક માટે ડેમ ભરી ખેડૂતો માટે લાભ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી તો સાથે બીજી તરફ ડેમની ઉપરવાસમાં આવેલા પલાસણ, સુંદરીભવાની અને કરશનગઢ ગામના ખેડૂતોના ઉભા પાકો પાણીમાં ગરકાવ થઇ જવાની ભીતી સેવાઇ રહી છે જેથી કરીને તેઓએ ડેમ ભરવાનો વિરોધ નોંધાવ્યો છે.
આમ એક તરફ ખેડૂતોએ ડેમ ભરવા માટે અધિકારીઓને રજૂઆત કરી હતી તો બીજી તરફ ત્રણ ગામના ખેડૂતોએ ડેમ નહીં ભરવા માટે વિનંતી કરી હતી જેથી કરીને અધિકારીઓ અસમંજસમાં મુકાયા હતા.