સુરત કોર્ટે વધુ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો
સુરત કોર્ટે ફરી એક વખત દુષ્કર્મ અને રેપ કેસના આરોપીને ખુબ જ ટૂંકા સમયમાં મોટી સજા ફટકારી છે. સુરત શહેરના સચિન વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાના ઘરની સામે રહેતા રાજા ભૈયા નામના આરોપીએ સગીરા ઉપર તેના માતા પિતાની ગેરહાજરીમાં વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી હતી અને તેને ઉત્તર પ્રદેશ ભગાડી ગયો હતો. આરોપીએ ઉત્તર પ્રદેશમાં પણ એક અઠવાડિયા સુધી સગીરાને માર મારીને દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આ બાબતની ફરિયાદ સુરત પોલીસને મળી હતી અને પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સુરત કોર્ટે દુષ્કર્મના આ કેસની સુનાવણી હાથ ધરી હતી અને ફક્ત 10 મહિનામાં જ આરોપીની સજાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટ દ્વારા આરોપી રાજા ભૈયાને વીસ વર્ષની કેદ અને પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ સાથે જ પીડિતાને એક લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે.