દેશના કુલ કાર્ડમાંથી 50%થી વધુ એકલા ગુજરાતમાં તૈયાર: ડ્રોન ટેક્નોલૉજી દ્વારા 11,511 ગામોનું સર્વેક્ષણ પૂર્ણ
પ્રોપર્ટી કાર્ડ પર ₹50 લાખ સુધીની બેંક લોન ઉપલબ્ધ: મહેસાણા અને અમદાવાદ જિલ્લા મિલકત દસ્તાવેજોમાં રાજ્યમાં મોખરે
- Advertisement -
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગ્રામીણ સશક્તિકરણની દિશામાં ‘પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના’ એક સીમાચિહ્નરૂપ પહેલ સાબિત થઈ છે. દાયકાઓ સુધી ગામડાઓમાં રહેણાંક મિલકતોના કાનૂની દસ્તાવેજોના અભાવે ગ્રામજનો જે આર્થિક લાભોથી વંચિત રહેતા હતા, તેમને હવે પોતાની મિલકતનું સાચું ‘સ્વામિત્વ’ મળી રહ્યું છે. આ મહાઅભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને મિલકત કાર્ડ વિતરણમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

14,900 ડ્રોન ફ્લાઇટ્સ દ્વારા સચોટ સર્વેક્ષણ
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે અત્યાધુનિક ડ્રોન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને 18.50 લાખથી વધુ ગ્રામીણ મિલકતોના ‘પ્રોપર્ટી કાર્ડ’ તૈયાર કર્યા છે. યોજનાના બીજા તબક્કામાં સમગ્ર દેશમાં તૈયાર થયેલા કુલ કાર્ડમાંથી 50 ટકાથી વધુ ફાળો એકલા ગુજરાતનો છે. આંકડાકીય વિગતો મુજબ, દેશભરના 58,197 ગામોમાં થયેલા સર્વેક્ષણમાંથી ગુજરાતે 14,900 ડ્રોન ફ્લાઇટ્સ દ્વારા 11,511 ગામોનું પ્રમોલગેશન પૂર્ણ કરીને સૌથી વધુ 18,50,614 કાર્ડ જારી કર્યા છે.
અમદાવાદ અને મહેસાણા જિલ્લા અગ્રેસર
મહેસૂલ વિભાગ, પંચાયતી રાજ વિભાગ અને સર્વે ઓફ ઇન્ડિયાના સંયુક્ત પ્રયાસોથી આ અભિયાન સફળ બન્યું છે. જિલ્લાવાર કામગીરીમાં મહેસાણા 1,66,504 કાર્ડ સાથે પ્રથમ અને અમદાવાદ 1,53,125 કાર્ડ સાથે બીજા સ્થાને રહ્યું છે. આ ઉપરાંત ખેડા, બનાસકાંઠા અને આણંદ જિલ્લામાં પણ 1-1 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ પારદર્શી પ્રક્રિયાને કારણે પેઢીઓથી ચાલતા મિલકત વિવાદો અને કોર્ટ કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે.

આર્થિક સમૃદ્ધિ અને બેંક લોનની સુવિધા
સ્વામિત્વ યોજનાએ ગ્રામીણ મિલકતોને આર્થિક સંપત્તિમાં ફેરવી દીધી છે. હવે ગ્રામીણ નાગરિકો પોતાના પ્રોપર્ટી કાર્ડના આધારે બેંકો પાસેથી સરળતાથી લોન મેળવી શકે છે. ગુજરાતમાં આ કાર્ડના આધારે ₹50 લાખ સુધીની લોન મંજૂર કરવામાં આવી છે, જેનાથી ગ્રામ્ય સ્તરે વ્યવસાય અને શિક્ષણની નવી તકો ઊભી થઈ છે. ખાસ કરીને મહિલાઓના આર્થિક ઉત્થાનમાં આ યોજના મહત્વની સાબિત થઈ રહી છે. ‘ડિજિટલ અને આત્મનિર્ભર ગ્રામીણ ભારત’ના વિઝનને સાકાર કરવા રાજ્યમાં 14,000થી વધુ ગ્રામસભાઓ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.



