પ્રજ્ઞા-II બિલ્ડિંગમાં અત્યાધુનિક ડિલિવરી સેન્ટર કાર્યરત: AI, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડિજિટલ ક્ષેત્રે ઊભી થશે નવી તકો
આગામી 3 વર્ષમાં 1,000 આઇટી પ્રોફેશનલ્સ માટે રોજગારીની ક્ષમતા: મેયર મીરાબેન પટેલ અને કંપનીના સીઇઓ રહ્યા ઉપસ્થિત
- Advertisement -
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી (GIFT City) માં વૈશ્વિક આઇટી ક્ષેત્રની અગ્રણી કંપની હેક્સાવેર ટેક્નોલોજીઝના અદ્યતન ડિલિવરી સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. ગિફ્ટ સિટીના પ્રજ્ઞા-II બિલ્ડિંગના 7મા અને 8મા માળે શરૂ થયેલું આ હાઈટેક સેન્ટર ગુજરાતની આઇટી અને ટેક્નોલોજી ઇકોસિસ્ટમના વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.

આધુનિક ટેક્નોલોજી ક્ષેત્રે રોજગારીના નવા દ્વાર ખુલશે
આ નવા ડિલિવરી સેન્ટરના પ્રારંભથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા એનાલિટિક્સ, ઓટોમેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા અદ્યતન ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે. આ સેન્ટર ગુજરાતના ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે રોજગારીના નવા અને આધુનિક દ્વાર ખોલશે. હેક્સાવેર ટેક્નોલોજીઝ વિશ્વની અગ્રણી ડિજિટલ સેવાઓ પ્રદાન કરતી કંપનીઓમાંની એક છે, જે વૈશ્વિક સ્તરે બેંકિંગ, નાણાકીય સેવાઓ, આરોગ્ય, વીમા, ઉત્પાદન, રિટેલ, પ્રવાસન અને પરિવહન સહિતના વિવિધ સેક્ટર્સમાં અદ્યતન ટેક્નોલોજી આધારિત સોલ્યુશન પૂરા પાડે છે.
- Advertisement -

આગામી 3 વર્ષનો લક્ષ્યાંક
વિશ્વના અનેક દેશોમાં મજબૂત વ્યાપ ધરાવતી હેક્સાવેર ટેક્નોલોજીઝ આગામી ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાં આશરે 1,000 જેટલા ઉચ્ચ કૌશલ્ય ધરાવતા આઇટી પ્રોફેશનલ્સ માટે નવીન રોજગારનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. ગિફ્ટ સિટીમાં હેક્સાવેરના આ નવા કેન્દ્રની સ્થાપનાથી ગુજરાતના ટેક્નોલોજી અને વૈશ્વિક નવીનતા આધારિત આર્થિક મોડલને વધુ મજબૂતાઈ મળશે.
આ ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, હેક્સાવેર ટેક્નોલોજીઝના સીઈઓ અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આર. શ્રીકૃષ્ણ, કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર વિકાસ કુમાર જૈન સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને આઇટી પ્રોફેશનલ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



