ખાસ-ખબર ન્યૂઝ ધારી
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમરેલી જિલ્લાના ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે. ધારી ગ્રામ પંચાયતમાં ધારી આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા ગ્રામપંચાયત ભેળવી દઈને આ ધારી નગરપાલિકાની રચના કરવામાં આવી છે.
ધારીમાં આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડીયાર માતા મંદિરથી 6 કિલોમીટરના અંતરે આવેલ છે. એટલું જ નહિં ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય હોઇ જેથી મોટી સંખ્યામાં વર્ષ દરમ્યાન પ્રવાસીઓ આવતા રહે છે. આ આંબરડી સફારી પાર્ક અને ગીર પૂર્વ અભયારણ્ય વિસ્તારમાં આવનારા પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તેમજ સ્થાનિક રોજગારી સાથે આર્થિક-સામાજિક જીવનમાં પણ ઉન્નતિ થાય તેવા પ્રવાસન વિકાસના ધ્યેય સાથે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.
- Advertisement -
ધારી તાલુકાના 25 જેટલા ગામો જંગલ વિસ્તારના હોવાથી ક્યારેક જંગલની આગના બનાવો બને તેવા સમયે ફાયર ફાઈટર અને અગ્નિશમન સેવાઓ પણ આ નગરપાલિકા દ્વારા સરળતાએ સમયસર મળે તેવો આશય પણ નગરપાલિકાની રચનામાં રહેલો છે.
ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે. આ ધારી નગરપાલિકા રાજ્યની 160 મી નગરપાલિકા બનશે. અત્યારે ’અ’ વર્ગની 22, ’બ’ વર્ગની 30, ’ક’ વર્ગની 60 અને ’ડ’ વર્ગની 42 મળી કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે. હવે તેમાં આ નવી ‘ડ’ વર્ગની નગરપાલિકા ધારી નગરપાલિકાનો ઉમેરો થયો છે. ત્યારે ધારી શહેરને નગરપાલિકાનો દરજ્જો મળતા સ્થાનિકોમાં હરખની હેલી જોવા મળી હતી.