સ્થાનિકોએ ત્રણ મૃતદેહો બહાર કાઢ્યા
ખાસ-ખબર ન્યૂઝ ખેડા, તા.3
ખેડા જિલ્લામાં આવેલા ગળતેશ્વરમાં ડૂબી જવાનો બનાવ બન્યો છે. અમદાવાદના 9 મિત્રો ગળતેશ્વરની મહિસાગર નદીમાં ન્હાવા માટે ગયા હતા. જે દરમિયાન ચાર મિત્રો ડૂબવા લાગ્યા હતા. ચાર મિત્રોને ડૂબતા જોઇ અન્ય મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિક તરવૈયાઓ આવી પહોંચ્યા હતા. અને ડૂબી રહેલા ચારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તરવૈયાઓ એકને બચાવવામાં સફળ રહ્યાં હતા. જ્યારે ત્રણ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ કરાતા સેવાલીયા પોલીસ બનાવ સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર, અમદાવાદના 9 સભ્યોનું એક ગૃપ રવિવારના રોજ ગળતેશ્વર ખાતે ફરવા માટે ગયું હતું. જે દરમિયાન ગૃપના કેટલાક સભ્યો ગળતેશ્વર પાસે આવેલી મહિસાગર નદીમાં ન્હાવા માટે ગયા હતા. જે દરમિયાન એક સભ્ય ડૂબવા લાગતા અન્ય સભ્યોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન એ ત્રણ સભ્યો પણ ડૂબવા લાગ્યા હતા. નદીમાં ચાર યુવકો ડૂબી રહ્યાં હોવાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ નદીમાં કૂદ્યા હતા અને એક યુવકનો જીવ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ યુવકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.
ભારે જહેમત બાદ ગઇકાલે એક મૃતદેહ મળ્યો હતો. આજે પણ નદીમાં શોધખોળ આદરવામાં આવી હતી. જે દરમિયાન અન્ય બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. ગળતેશ્વરની મહી નદીમાં ચાર યુવકો ડૂબ્યા હોવાની જાણ થતાં સેવાલીયા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. ત્રણેય યુવકોના મૃતદેહોને પીએમ અર્થે સેવાલિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસડેવામાં આવ્યા હતા. પોલીસ તપાસ અનુસાર, ગળતેશ્વરમાં ડૂબી ગયેલા ત્રણ યુવકોમાંથી એક મૃતકનું નામ હિતેશ ચાવડા જ્યારે બીજા મૃતકનું નામ સુનિલ કુશવાહ છે. ત્રીજા મૃતકની ઓળખ થઇ શકી નથી. પોલીસ દ્વારા તેની ઓળખ વિધિ કરવામાં આવી રહી છે અને વધુ તપાસ હાથ ધરી છે.