ભારતના પૂર્વ જુનિયર હૉકી ખેલાડી રાજીવ કુમાર મિશ્રાનું ભેદી સંજોગોમાં મૃત્યુ થયું છે. તેઓનો મૃતદેહ વારાણની સરસૌલી વિસ્તારમાં પોતાના ઘરમાંથી જ મળ્યો છે. તેઓ 46 વર્ષના હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજીવનું મોત થોડા દિવસ પહેલાં જ થઈ હોઈ શકે છે કેમ કે તેના ઘરમાંથી દૂર્ગંધ આવ્યા બાદ પાડોશીએ તેની જાણકારી પોલીસને આપી હતી.
રાજીવને 1997માં લંડનમાં જુનિયર વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન બાદ એ સમયને ભારતીય હૉકીના મોટા સીતારા માનવામાં આવતા હતા. વારાણસીમાં ઉત્તર રેલવેના લખનૌ મંડલમાં મુખ્ય ટિકિટ નિરીક્ષક (સીઆઈટી)ના પદ પર તૈનાત હોવાને કારણે તેઓ એકલા જ રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે જે લખનૌમાં રહે છે. બિહારના હાજીપુરના લીલુદાબૈત ગામના રહેનારા રાજીવ પોતાના ઘૂઘરાળા વાળ માટે પ્રસિદ્ધ હતા.
- Advertisement -
લંડનમાં 1997માં આયોજિત જુનિયર વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન બાદ તેમના ચાહકોની સંખ્યામાં જોરદાર વધારો થયો હતો. જુનિયર વિશ્વ કપ ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે ભારત 2-3થી હારી ગયું હતું પરંતુ રાજીવ મિશ્રા ટૂર્નામેન્ટમાં છ ગોલ કરીને સૌથી આગળ રહ્યા હતા.
તેમના નાનપણના કોચ પ્રેમ શંકર શુક્લાએ કહ્યું કે રાજીવનું અકાળે મૃત્યુ થવું ભારતીય હૉકી માટે એક મોટો ઝટકો છે. તેઓ અસાધારણ કૌશલ ધરાવતા હૉકી ખેલાડી હતા. નેધરલેન્ડમાં રમાયેલા 1998 વિશ્વકપમાં તેના ઘૂંટણમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જે પછી તેમનું કરિયર પૂર્ણ થવા લાગ્યું હતું.



