સંગઠનના માહિર, સ્પષ્ટવક્તા અને સંઘ પરિવારના પાયાના પથ્થર સમાન વ્યક્તિત્વના જન્મદિવસ નિમિતે શુભેચ્છાવર્ષા
વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપના અગ્રણી, જાણીતા સમાજસેવક, સંગઠન અને સંપર્કના માહિર, સ્પષ્ટવક્તા તથા બહોળો મિત્રવર્ગ ધરાવતા માવજીભાઈ ડોડીયાના જન્મદિવસ નિમિત્તે આજરોજ ચારેય તરફથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. સંઘ પરિવારનો પાયો મજબૂત કરવામાં સૌરાષ્ટ્રમાં જે ગણ્યા-ગાંઠયા પરિવારોનું યોગદાન રહ્યું છે. તેમાં ડોડીયા પરિવાર અગ્રસ્થાને આવે છે. આ પરિવારના મોભી માવજીભાઈ ડોડીયા અખિલ ગુજરાત નાડોદા રાજપૂત સમાજના પ્રમુખ, રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન, સાયલા પાસેના ભવાની મંદિર અને શૈક્ષણિક સંકુલના માર્ગદર્શક તેમજ વીએચપી જન્માષ્મી મહોત્સવ સમિતિના માર્ગદર્શક તરીકે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી ચૂક્યા છે.
રાજકોટમાં વર્ષ ૧૯૮૬થી યોજાતી વિશ્વ હિન્દુ પરિષદની પ્રખ્યાત જન્માષ્ટમી શોભાયાત્રામાં તેઓ છેલ્લા ચાર દાયકાથી સતત માર્ગદર્શક તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. વીએચપી કે અન્ય સમાજની શોભાયાત્રાઓ માટે પોતાની ‘મમતા ટ્રાન્સપોર્ટ’ તથા અન્ય ટ્રાન્સપોર્ટરો મારફતે ટ્રકો અને વાહનોની વ્યવસ્થા પૂરી પાડવામાં પણ તેમનું સતત યોગદાન રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના કામમાં કાર્યકર્તાઓનું નામ લેવાય એટલે પ્રથમ નામ ‘ડોડીયા પરિવાર’નું આવે છે. સ્વ. નાથાભાઈ ડોડીયા, માવજીભાઈ ડોડીયા અને સ્વ. હરિભાઈ ડોડીયાએ વર્ષો સુધી વીએચપીના પ્રમુખ તરીકે સેવાઓ આપી છે.’સેવા પરમો ધર્મ’ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતા તેમના માતૃશ્રી સ્વ. સંતોકબેન ભગવાનભાઈ ડોડીયાની સ્મૃતિમાં સ્થાપિત ‘સ્વ. સંતોકબા ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા રાજકોટના જરૂરિયાતમંદ વિસ્તારોમાં મફત મેડિકલ સેવાઓ તથા બે એમ્બ્યુલન્સ વાન દ્વારા હોસ્પિટલ સેવાઓ નિરંતર પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, નાડોદા રાજપૂત સમાજના કોઈપણ વ્યક્તિ રાજકોટ આવે એટલે તેમના રહેવા અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવાની ચિંતા આ પરિવારે હંમેશાં કરી છે.
વર્ષો પહેલાં રાજકોટમાં જ્યારે ભયાનક પાણીની તંગી સર્જાઈ હતી ત્યારે ચોટીલા નજીક ઢેઢુકીથી ટેન્કરો મારફતે પાણી લાવીને રાજકોટ આરટીઓ ઓફિસ પાછળના પંપમાં નાખીને શહેરની તરસ છિપાવવામાં ડોડીયા પરિવારે અતિ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાત ટ્રક એસોસિએશનમાં વર્ષો સુધી સેવા આપવાની સાથે જનસંઘ, ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ અને રાજકોટ નાગરિક સહકારી બેંક જેવા વિવિધ ક્ષેત્રોમાં ડોડીયા પરિવાર સતત સક્રિય રહીને સમાજસેવાના કાર્યો કરી રહ્યો છે. માવજીભાઈ ડોડીયાને તેમના જન્મદિવસ નિમિત્તે દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની હાર્દિક શુભકામનાઓ.




