મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર સહાય યોજનાના હૂકમોનું વિતરણ કરાયું
પ્રાકૃતિક કૃષિ એ ભારતનું ભવિષ્ય છે – પ્રદેશ બક્ષીપંચ અધ્યક્ષ માનસિંહ પરમાર
- Advertisement -
જિલ્લામાં વર્ષ 2025-26 દરમિયાન 6,992 ખેડૂતોને રૂ. 25.34 કરોડની ખેતીલક્ષી સહાય ચૂકવવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.14
‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ અંતર્ગત સોમનાથ ખાતે જિલ્લાકક્ષાના ‘પી.એમ.કિસાન ઉત્સવ દિવસ’ તથા ‘મિલેટ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી. પ્રભાસપાટણના શ્રી રામમંદિર ઓડિટોરિયમ ખાતે પી.એમ.કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ તથા “મિલેટ મહોત્સવ” ઉજવણી કરવામાં આવી હતી. અધ્યક્ષપદેથી સંબોધન કરતા પ્રદેશ બક્ષીપંચના અધ્યક્ષ માનસિંહભાઈ પરમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પીએમ-કિસાન યોજના અંતર્ગત 22માં હપ્તાના માધ્યમથી ભારતના 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં ડી.બી.ટી મારફતે રૂ. 18,650 કરોડ જમા કરવામાં આવ્યાં છે. જે ખેડૂતો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પ્રાકૃતિક ખેતીનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ એ ભારતનું ભવિષ્ય છે. મનુષ્યનું શરીર સ્વસ્થ રહે એ માટે પ્રાકૃતિક ખેતીનું માનવજીવનમાં ખૂબ જ મહત્વ છે. આજે પણ પ્રાકૃતિક ખેતી વગર નહી ચાલે અને ભવિષ્યમાં પણ આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે. મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર સહાય યોજનાના હૂકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ‘મિલેટ્સ સ્પર્ધા’માં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંક વિજેતા મહિલાઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વર્ષ 2025-26 દરમિયાન 6,992 ખેડૂતોને રૂ. 25.34 કરોડની ખેતીલક્ષી સહાય ચૂકવવામાં આવી હતી.



