સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રોડ શો સાથે ભાતીગળ સ્વાગત કરાશે
આગામી તા. 19 એપ્રિલે “આયુષ દિવસ” નિમિત્તે જામનગર ખાતે આયોજિત કાર્યક્રમો અંતર્ગત ડબલ્યુ. એચ.ઓ.ના ડિરેક્ટર જનરલ ટેડરોઝ 18 એપ્રિલે રાજકોટથી જામનગર રવાના થશે. તેમની સાથે મોરેશિયસના પ્રધાનમંત્રી પણ રાજકોટ ખાતે આવતા હોય વહીવટી તંત્ર તેમજ સંગઠન દ્વારા તેમના સ્વાગત તથા અન્ય તૈયારીઓના આયોજનના ભાગ રૂપે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બાબતોના સમગ્ર આયોજન અંગે કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટ, ગુજરાત અને ભારતની અમીટ છાપ આ મહાનુભાવો લઈને જાય તે સબબ આપણી પરંપરા મુજબ તેઓનું સ્વાગત એરપોર્ટ ખાતે કરવાનું આયોજન હાથ ધરાશે. એરપોર્ટ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ તેઓને વેલકમ કરતા એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં વિવિધ મેડિકલ એસોસિયેશન, સરકારી વિભાગ, સંગઠન તેમજ વિવિધ યુનિવર્સીટીના છાત્રો દ્વારા તેઓનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે.


