‘ગરીબોના આવાસમાં ભ્રષ્ટાચાર બંધ કરો’ અને ‘આવાસમાં ગોટાળા કરનારને જવાબ આપો’નાં બેનરો સાથે દેખાવો કરી રાજકોટ મહાપાલિકામાં વિરોધપક્ષે ઉઠાવ્યા સવાલો..
રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક પહેલાં કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ અને કોર્પોરેટરો હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે મનપા કચેરીએ પહોંચ્યા હતા અને શાસક પક્ષ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા. વોર્ડ નં. ૧૬ ના કોંગ્રેસ કોર્પોરેટર ઇબ્રાહિમ સોરા અને દીપ્તિબેન સોલંકી સહિતના વિપક્ષી નગરસેવકોએ આવાસ કૌભાંડ તેમજ અન્ય મુદ્દાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. આવાસ યોજનામાં ગેરરીતિઓની શંકાને આધારે હાલમાં મેયર નેહલ શુક્લ દ્વારા ૧૬૩ આવાસ રદ કરવામાં આવ્યા હતા, જેનાથી મોટો વિવાદ ઊભો થયો છે. વિપક્ષી કોર્પોરેટરોએ ‘ગરીબોના આવાસમાં ભ્રષ્ટચાર બંધ કરો’ અને ‘આવાસમાં ગોટાળા કરનારને જવાબ આપો’ જેવા બેનરો દર્શાવી શાસકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આવાસ યોજના કૌભાંડ અંગે કોંગી કોર્પોરેટર દીપ્તિબેન સોલંકીએ જણાવ્યું હતું કે, ડેપ્યુટી મેયર અને વોર્ડ ૬ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબેન પરમારના નામે આવાસ યોજનાના ક્વાર્ટર ફાળવી દેવામાં આવ્યા હોવાની બાબત સામે આવી છે. આવાસ યોજનામાં પાકું મકાન કે મિલકત ધરાવતા લોકોને ક્વાર્ટર ફાળવી શકાય નહીં તેવો કડક નિયમ હોવા છતાં, મિલિભગત કે વહીવટી ગોટાળાથી આ ફાળવણી કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૧માં પણ ૧૧ ક્વાર્ટરમાં એક-એક ક્વાર્ટર બબે વ્યક્તિઓના નામે બોલતા હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. છ-છ વર્ષ સુધી તંત્ર આ અંગે અજાણ રહ્યું તે શાસકોની નિષ્ફળતા દર્શાવે છે. ભાજપના શાસનમાં રાજકોટ મહાપાલિકા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. કોંગ્રેસના કોર્પોરેટર અને વોર્ડ નંબર ૧૬ ના પ્રતિનિધિ ઇબ્રાહિમ સોરાએ ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી ઉપર ગંભીર આરોપો લગાવતા જણાવ્યું કે, ડેપ્યુટી મેયરની દુકાનના બદલામાં ક્વાર્ટર ફાળવવામાં આવ્યું છે, જે એક મોટું કૌભાંડ હોવાની શક્યતા છે. જંગલેશ્વર વિસ્તારના કાયદેસરના હક્કદાર લોકો પાસેથી ક્વોર્ટર છીનવીને શાસક પક્ષ ભાજપના નેતાઓ તેમજ સંબંધીઓને ફાળવણી કરી દેવામાં આવે છે. ત્યારે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની અને કૌભાંડમાં સામેલ લોકો સામે. કાર્યવાહી કરવાની અમારી સ્પષ્ટ માંગ છે.




