વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે AI આધારિત ડિઝાઇનિંગ ટૂલ્સ હવે આંગળીના ટેરવે
દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો અને વિશ્વના જાણીતા વિઝ્યુઅલ કમ્યુનિકેશન પ્લેટફોર્મ ‘કેન્વા’ (Canva) એ ભારતભરના કરોડો વપરાશકારો સુધી સર્જનાત્મક સાધનો પહોંચાડવા માટે એક મોટી વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ ઐતિહાસિક જોડાણનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના દરેક નાગરિક, વિદ્યાર્થી, કન્ટેન્ટ ક્રિએટર અને નાના ઉદ્યોગસાહસિકો માટે વ્યાવસાયિક સ્તરની ગ્રાફિક ડિઝાઈનિંગ અત્યંત સરળ, સુલભઅને કિફાયતી બનાવવાનો છે. આ ભાગીદારી અંતર્ગત જિયોની વિશાળ ડિજિટલ પહોંચને કેન્વાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ક્રિએટિવ ફીચર્સ સાથે જોડવામાં આવી છે. પાત્રતા ધરાવતા જિયો ગ્રાહકોને કોઈપણ વધારાના ખર્ચ વિના સળંગ ૧૨ મહિના સુધી કેન્વાનું પ્રીમિયમ એક્સેસ મફત આપવામાં આવશે. ગ્રાહકના રિચાર્જ પ્લાનના આધારે આ ઓફર નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં રૂ ૩૯૯ના રિચાર્જ પ્લાન સાથે ‘કેન્વા પ્રો’ (Canva Pro)નો સંપૂર્ણ લાભ મળશે, જ્યારે રૂ. ૩૪૯ તેમજ તેનાથી ઉપરના ૨ જીબી પ્રતિ દિવસ ડેટાવાળા તમામ પ્લાન્સમાં ‘કેન્વા પ્રો લાઇટ’ સુવિધા ઉપલબ્ધ થશે. યુઝર્સ માયજિયો (MyJio) એપ ઓપન કરી એક જ ક્લિકમાં કોઈપણ છૂપા ચાર્જ વગર આ ઓફર ક્લેમ કરી ડિઝાઇનિંગ શરૂ કરી શકશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રમુખ કિરણ થોમસે આ ભાગીદારી અંગે જણાવ્યું હતું કે, સર્જનાત્મકતા એ ભારતની સૌથી મોટી શક્તિ છે. કેન્વા દ્વારા અમે દેશના લાખો નાગરિકોના હાથમાં વિશ્વસ્તરીય અને એઆઈ-સંચાલિત ટૂલ્સ મૂકી રહ્યા છીએ. આ સુવિધાથી સામાન્ય વિદ્યાર્થી હોય કે નાનો વેપારી, દરેક પોતાની અનુકૂળ પ્રાદેશિક ભાષામાં શીખી શકશે, નવા વિચારો સર્જી શકશે અને ડિજિટલ ઇકોનોમીમાં આગળ વધીને કમાણી પણ કરી શકશે. કેન્વાના સહ-સ્થાપક અને સીઓઓ ક્લિફ ઓબ્રેક્ટે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે ભારત કેન્વા માટે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજારો પૈકીનું એક છે. સ્થાનિક વ્યવસાયો અને સર્જકો જે રીતે પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે તે અદભુત છે. જિયો સાથેનું આ જોડાણ ભારતમાં અમારી યાત્રાનો નવો અધ્યાય શરૂ કરશે અને દેશના છેવાડાના વિસ્તારો સુધી સર્જનાત્મક ક્રાંતિ લાવશે. આ પ્લેટફોર્મની વિશેષતા એ છે કે તેમાં ડિઝાઇનિંગના કોઈ પૂર્વ અનુભવની જરૂર રહેતી નથી. યુઝર્સ પોતાના સ્માર્ટફોન પરથી જ ગણતરીની મિનિટોમાં સ્કૂલ પ્રોજેક્ટ્સ, સોશિયલ મીડિયા પોસ્ટ્સ, બિઝનેસ પ્રેઝન્ટેશન્સ, માર્કેટિંગ બેનર્સ કે તહેવારોની આકર્ષક શુભેચ્છાઓ બનાવી શકશે. હિન્દી સહિતની વિવિધ ભારતીય ભાષાઓમાં રેડીમેડ ટેમ્પ્લેટ્સ અને વન-ટેપ સ્માર્ટ એડિટિંગ ટૂલ્સ ઉપલબ્ધ હોવાથી દરેક વ્યક્તિ પ્રોફેશનલ સ્તરનું સર્જન કરી શકશે.




