રાજ્યના નગરો, મહાનગરોને વર્લ્ડ કલાસ ફેસેલીટીઝ સાથે વિશ્વકક્ષાની સ્પર્ધામાં ઊભા રહી શકે તેવા સ્માર્ટ સિટીઝ બનાવવાના રાજ્ય સરકારે અનેક પગલાં લીધા: CM રૂપાણી

વડોદરાના 322 કરોડના વિકાસ કામોનો ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા એટ વન કલીક પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

રાજ્યનાં કાર્યદક્ષ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરા મહાનગરમાં રૂ. ૪૪ કરોડના વિવિધ લોકાર્પણ અને રૂ. ર૭૯ કરોડના કાર્યારંભ, ખાતમૂર્હત મળી રૂ. ૩રર.૬૬ કરોડના વિકાસ કામોનો ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા એટ વન કલીક પ્રારંભ કરાવ્યો હતો. આ તકે તેમણે જણાવ્યું કે, વૈશ્વિક મહામારી કોરોનાના આ કપરા કાળમાં સમગ્ર વિશ્વમાં વિકાસ સ્થગિત છે. ત્યારે ગુજરાતે આ વિકટ સમયમાં પણ રાજ્યમાં રૂ. ૯રપપ કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ -ખાતમૂર્હતના કામો કરીને વિકાસને અટકવા દીધો નથી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કોરોનાના કપરા કાળમાં પણ ગુજરાત ન ઝૂકયું છે ન રોકાયું છે. વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. એટલું જ નહિ, સમયબદ્ધ-સમયસર કામો ઉપાડીને પૂરાં કરવાનો વ્યૂહ અપનાવી જેના ખાતમૂર્હત અમે કરીયે તેના લોકાર્પણ પણ અમે જ કરીયે તેવી જે કાર્યસંસ્કૃતિ વિકસાવી છે તેને આગળ ધપાવી છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, રાજ્યની ૪પ ટકા વસ્તી નગરો, મહાનગરોમાં વસે છે ત્યારે પ્રજાની આકાંક્ષા અપેક્ષા પૂર્ણ થાય સાથોસાથ પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, લાઇટ જેવી પાયાની સુવિધાઓ મળી રહે તે માટે આ સરકાર જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે સેવારત છે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, આપણું લક્ષ્ય વિકાસ જ હોય અને વિકાસના કામો માટેની તત્પરતા સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર નિશ્ચિત લક્ષ્યપૂર્તિથી કાર્યરત છે તેમાં આવા વિકાસ કામો નવી દિશા આપશે. વિજયભાઇ રૂપાણીએ ગુજરાતે ખૂલ્લામાં શૌચક્રિયામુકત રાજ્ય તરીકે અગ્રેસરતા મેળવ્યા બાદ હવે પ્રધાનમંત્રીશ્રીના મહત્વાકાંક્ષી નલ સે જલ યોજનામાં પણ ૧૦૦ ટકા ઘરોને ટેપ વોટર શુદ્ધ પીવાલાયક પાણી પહોચાડવામાં પણ ગુજરાત લીડ લેશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના નગરો-મહાનગરોને વર્લ્ડ કલાસ ફેસેલીટીઝ સાથે વિશ્વકક્ષાની સ્પર્ધામાં ઊભા રહી શકે તેવા સ્માર્ટ સિટીઝ બનાવવાના રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યના ૪ શહેરોએ સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ ટોપ-૧૦ માં સ્થાન મેળવીને સ્માર્ટ સિટીઝનું ગૌરવ વધાર્યુ છે. વડોદરા નગરને આ માટે તેમણે અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ કોરોનામુકત ગુજરાત આવનારા દિવસોમાં કરવા સાથે અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર, હેલ્થ, લોજિસ્ટીકસ સહિતના ક્ષેત્રોમાં એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી કરી ગુજરાતને સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ પણ વ્યકત કરી હતી.