હાર્દિક પટેલની સજા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો
હું 2022ની વિધાનસભા, 2024ની લોકસભા ચૂંટણી પણ લડીશ : હાર્દિક
- Advertisement -
સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલાં રમખાણો અને આગજનીની અપીલો પર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર પ્રતિબંધ લગાવી લીધો છે, સાથે એમ પણ કહ્યું છે કે હાઈકોર્ટે પણ સજા પર પ્રતિબંધ લગાવવાની જરૂર હતી. હાર્દિક પટેલ અને કોંગ્રેસ માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. ચૂંટણી લડવાનો હાર્દિકનો માર્ગ હવે સાફ થઈ ગયો છે. જોકે આ ચુકાદો વચગાળાની રાહત છે. આ વિશે હાર્દિક પટેલે કહ્યું છે કે હવે તે 2022ની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી લડશે. હાર્દિક પટેલ વતી રજૂઆત કરતા સિનિયર વકીલ મનીન્દર સિંહે કહ્યું હતું કે મને ચૂંટણી ન લડવા દેવી તે મારી અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. મેં અગાઉ વર્ષ 2019માં ચૂંટણી લડવાની તક ગુમાવી દીધી છે. રાજય દ્વારા પોલીસની સત્તાનો દૂરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરતા કહ્યું હતું કે કોર્ટ સમક્ષ એ કોઈ મુદ્દો જ નથી કે હાર્દિક પટેલ ચૂંટણી લડી રહ્યાં છે પરંતુ સમગ્ર બાબતને ક્રિમિનલ કાયદાના ધારાધોરણના આધારે મુલવવામાં આવે. સોલિસિટર જનરલે વધુમાં કહ્યું કે ક્રિમિનલ કાયદામાં શું સાચું છે તે કહેવા માટે એક પણ ચોક્કસ ગાઈડલાઈન્સ નથી. હાર્દિક પટેલ જીતી ગયા હોત કે હારી ગયા હોત તે કોઈ મુદ્દો જ નથી પરંતુ હવે આ બાબત કોર્ટ જ નક્કી કરે. હાર્દિક પટેલ સામે એક કેસ ઈંઙઈના સેક્શન 395ના આધારે પણ નોંધાયેલો છે તે ખરેખર ખૂબ જ ગંભીર છે.
ગુજરાત હાઈકોર્ટે જ સ્ટે આપવો જોઈતો હતો: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ હાર્દિક પટેલને વર્ષ 2015ના મહેસાણાના રાયોટિંગ કેસમાં વચગાળાની રાહત આપતા સજા પર સ્ટે આપ્યો છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ એસ અબ્દુલ નાઝીર અને વિક્રમનાથની બેન્ચે નોંધ્યું કે હાર્દિક પટેલને થયેલી સજા પર ગુજરાત હાઈકોર્ટે જ સ્ટે આપવો જોઈતો હતો. કોર્ટે સિનિયર વકીલ મનીન્દરની દલીલ અને તેમણે રજૂ કરેલા પુરાવા પર ભાર મૂકતા હાર્દિક પટેલને થયેલી સજા પર તેમની અપીલ પર ચુકાદો ન આવે ત્યાં સુધી વચગાળાનો સ્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું કે હાર્દિક પટેલને થયેલી સજા પર હાઈકોર્ટે જ સ્ટે આપવાનો હતો.
વર્ષ 2015માં પાટીદાર આરક્ષણ આંદોલન સમયે રમખાણો થયા હતા
નોંધનીય છે કે વીસનગર રમખાણો મામલે કોર્ટે હાર્દિકને 2 વર્ષની સજા આપી હતી. હાલ હાર્દિક જામીન પર બહાર છે, પરંતુ દોષિત હોવાને કારણે તેઓ ચૂંટણી લડી શકે નહીં અને આજ કારણ છે કે હાર્દિક તેની સજા પર સ્ટે લાવવા માગે છે, જેથી તેઓ ચૂંટણી લડી શકે. નોંધનીય છે કે આ કેસમાં કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એકે પટેલને બે-બે વર્ષની સજા આપી હતી. જ્યારે 14 આરોપીને છોડી દીધા હતા. આ રમખાણો 23 જુલાઈ 2015માં પાટીદાર આરક્ષણ આંદોલન સમયે થયાં હતાં.


