ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના શિવરાજપુર ગામ ખાતે ગાયત્રીનગરમાં રૂ. 12 લાખના ખર્ચે બનેલા સ્લેબડ્રેનનું રીબીન કાપીને લોકાર્પણ કરાયું હતું. ગામમાં અવરજવર કરવામાં સરળતા રહે, તે હેતુસર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા એજન્સીના સહયોગથી 1 સ્પાન 7 મીટર લંબાઈના સ્લેબડ્રેનનું બાંધકામ દોઢ મહિનામાં પૂર્ણ કરાયું હતું.
આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે,
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ પંચાયતથી પાર્લામેન્ટ સુધી પ્રશ્નો પહોંચાડી નિરાકરણ લાવવા સરકાર પ્રયત્નશીલ છે. જે અન્વયે જિલ્લા પંચાયતની જોગવાઈ મુજબ સ્લેબડ્રેન તૈયાર થતા ગામના લોકોની માંગણી સંતોષાઈ છે. આવી જ રીતે, પીવાના પાણી, સિંચાઈ, રસ્તાઓ, હાઈસ્કૂલનું મકાન સહિતની માળખાકીય સુવિધાઓ આવશ્યકતા મુજબ પૂરી પાડીને ગામનો તબક્કાવાર વિકાસ કરાશે. જરૂર પડે ત્યાં સર્વે કરાવીને લોકોના હિતાર્થે કામગીરી કરાશે.
- Advertisement -
તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર ગ્રામીણ પ્રજાની ચિંતા કરીને નમૂનેદાર રાજ્ય બનાવવા પ્રતિબદ્ધ છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે સ્વાગત પ્રવચન અને અગ્રણી ભરતભાઈ બોઘરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. આ પ્રસંગે પરંપરાગત અભિવાદનની ઝલક જોવા મળી હતી. મંત્રી વાજતેગાજતે ઢોલનગારાના નાદ સાથે બળદગાડામાં લોકાર્પણસ્થળે પધાર્યા હતા. બાળકીઓએ કળશ માથે પધરાવી, કંકુચાંદલો કરીને સામૈયું કર્યું હતું. ત્યારબાદ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી કરાયો હતો તેમજ પુષ્પગુચ્છ, પેઈન્ટિંગ અને શાલ આપી મહાનુભાવોને આવકાર્યા હતા.
- Advertisement -
આ કાર્યક્રમમાં નાયબ કાર્યપાલક ઈજનેર સંજયસિંહ ઝાલા, જિલ્લા પંચાયત સદસ્ય પરેશભાઈ રાદડિયા, અગ્રણીઓ સોનલબેન વાસાણી, નાથાભાઈ વાસાણી, ભાવેશભાઈ વેકરીયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.