તારીખ 11 મેનાં દિવસે અમે બેન્ગ્લોર ઉતર્યા ત્યારે વાતાવરણ એકદમ ખુશનુમા હતું. પ્લેઝન્ટ. 26 ડિગ્રી સેલ્સિયસ. એરપોર્ટથી હોટેલ જતી વખતે ડ્રાઈવરે અમને કહ્યું કે, અહીં છેલ્લાં અઠવાડિયામાં બે-ત્રણ વખત સારો વરસાદ પડી જતાં એકદમ ટાઢક જેવું થઈ ગયું છે. અમે રાત્રીનાં સમયે પહોંચ્યા હતા. અમારી પંદર દિવસની યાદગાર યાત્રાનો પ્રારંભ બેન્ગ્લોરથી થઈ રહ્યો હતો. આવનારા દિવસો દરમિયાન અમારે કેટલાંક અદ્ભુત અને ઓલમોસ્ટ વર્જિન કહી શકાય તેવાં સ્થળોની મુલાકાત લેવાની હતી.
- Advertisement -
ભારતીય પ્રવાસીઓ મોટાભાગે સાઈટ સીઈંગને જ પ્રવાસન માને છે : ટૂર ઓપરેટર્સ તમને 15-20 દિવસમાં આખું યુરોપ દેખાડી દે છે! તેમાં પેરિસ, રોમ, એમ્સ્ટરડમ, સ્વિટઝર્લેન્ડ સહિત અનેક સ્થળો આવરી લે છે! વાસ્તવમાં તમારે યુરોપનાં મહત્ત્વપૂર્ણ સ્થળો નિહાળવા-માણવા હોય તો છ મહિના પણ ઓછા પડે
કમર્શિયલ સ્ટ્રીટ
જાણે આપણે અમદાવાદનાં ઢાલગરવાડમાં ટહેલતાં હોય તેવું લાગે
- Advertisement -
બીજાં દિવસે સવારે અમે બેન્ગ્લોરમાં સાઈટ સીઈંગ કરવા નીકળ્યાં. એક પછી એક માર્ગ આવતાં ગયાં અને હું સ્તબ્ધ થઈ ગયો: આપણે ગાંધીનગરને ગ્રીન કેપિટલ કહીએ છીએ પરંતુ પહાડી રાજ્યોને બાદ કરતાં મેં કોઈ શહેરમાં કે રાજધાનીમાં કે મહાનગરમાં સૌથી વધુ હરિયાળી જોઈ હોય તો એ બેન્ગ્લોરમાં. ઠેર-ઠેર લીલાચ્છમ વૃક્ષોની હરિયાળી ચાદર. ડામર અને સીસી રોડ એ વૃક્ષોનાં છાયાથી ઢંકાયેલા. ગાંધીનગર એક નિર્જન-નિર્જીવ શહેર છે- માત્ર હરિયાળી છે ત્યાં. બેન્ગ્લોર ધબકતું, શ્ર્વાસ લેતું, ભાગતું-દોડતું હોવા છતાં હરિયાળીથી આચ્છાદિત છે.
બેન્ગ્લોરનું હાઈ-ફાઈ કલ્ચર મારા જેવાં ફકિર લોકોને બહુ આકર્ષી શકતું નથી. ભૌતિક સુખોથી સૂગ નથી પરંતુ લાગે છે કે, તેમાં ડૂબી જવામાં અને માત્ર એ જ માણવામાં મોજ નથી. દરેક શહેરની ખૂબીઓ, ત્રુટિઓ, ખાસીયતો હોય છે, તેનો આગવો મિજાજ હોય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો, કેટલાંક લોકો સમજે છે કે, થાઈલેન્ડ એટલે માત્ર મસાજ અને સેક્સ. ગુજરાતીઓને તો આ વાત સારી પેઠે માલુમ જ હોય. કારણ કે, જગતનું આ એકમાત્ર એવું રાજ્ય છે- જ્યાં ‘જેન્ટસ સ્પેશિયલ બેન્ગકોક ટૂર’ની જાહેરખબર અખબારોમાં છપાય છે અને તેને ભરપૂર રિસ્પોન્સ પણ મળે છે. અમારા સૌરાષ્ટ્રનાં કારખાનેદારો ઘરનાં બૈરાંઓને કહે છે કે, ચાર દિવસ મુંબઈ થોડું કામ છે! અને પછી થાઈલેન્ડ ઉપડી જાય છે. ત્યાં પૂજાકર્મ અને પિતૃદોષ નિવારણ વગેરે કરાવીને ચોથે દિવસે ઘેર પૂગી જાય છે.
પ્રવાસન અને સ્ત્રીગમન વચ્ચે બહુ મોટો તફાવત છે. કોલગર્લગમન એટલે શું, એ આપણને કોઈએ સમજાવવાની જરૂર નથી પરંતુ પ્રવાસનનો આનંદ લેવાની કળા આપણે શીખવાની જરૂર છે. અને પ્રવાસન ખરેખર એક આર્ટ છે. સૌની પોતપોતાની શૈલી હોય છે, પ્રવાસ કરવાની. ભારતીય પ્રવાસીઓ મોટાભાગે સાઈટ સીઈંગને જ પ્રવાસન માને છે. ટૂર ઓપરેટર્સ તમને 15-20 દિવસમાં આખું યુરોપ દેખાડી દે છે! તેમાં પેરિસ, રોમ, એમ્સ્ટરડમ, સ્વિટઝર્લેન્ડ સહિત અનેક સ્થળો આવરી લે છે! વાસ્તવમાં તમારે યુરોપનાં મહત્ત્વપૂર્ણ સ્થળો નિહાળવા-માણવા હોય તો છ મહિના પણ ઓછા પડે.
એવું જ દક્ષિણ ભારતનું છે. બીજું કશું નહીં અને માત્ર અદ્ભુત મંદિરો જોવા હોય તો પણ દોઢ-બે મહિનાનો સમય ખપે. અમારી ટૂર અમે એટલે જ સાવ નિરાંતવાળી રાખી હતી. બેન્ગ્લોરની ઉડતી મુલાકાત લઈને બીજે દિવસે કર્ણાટકનાં ગિરિમથક કૂર્ગ ભણી અમારે નીકળવાનું હતું.
અમે બેન્ગ્લોર ફર્યા. કોઈએ કહ્યું હતું કે, કમર્શિયલ સ્ટ્રીટ અવશ્ય જજો. અમે હરખભેર ત્યાં પહોંચ્યા. જોયું તો જાણે આપણે અમદાવાદનાં ઢાલગરવાડમાં ટહેલતાં હોય તેવું લાગે. એજ હેર બેન્ડ, સેફ્ટી પિન, દુપટ્ટા, ઓઢણી અને ફાલતું કટલરીની દુકાનો. એ પણ બધું મુસ્લિમ સ્ટાઈલનું. એકદમ ઝગમગ-ઝગમગ ચળકતાં વસ્ત્રો.
એક સ્થાનિક જૈન વેપારી મળી ગયા. આ બધાંની વચ્ચે તેઓ ઘેરાઈ ગયા હતાં. મને તેમણે માહિતી આપી: અગાઉ અહીં સરેરાશ એકસોમાંથી લગભગ દસેક દુકાનો મુસ્લિમોની હતી. આજે બજારની કુલ 80 ટકા દુકાનો મુસ્લિમો પાસે છે! આ ચમત્કાર કેવી રીતે થયો એ કોઈને ખ્યાલ નથી. સ્વાભાવિક રીતે આ ઝગમગીયાં બજારમાં અમને રસ પડે તેવું કશું જ ન હતું.
પછીનો વિકલ્પ હતો એમ.જી. રોડ. લોકોએ કહ્યું હતું કે, ત્યાંની ઝાકમઝોળ જોઈને તમે સ્તબ્ધ થઈ જશો. અમે બિલકુલ સ્તબ્ધ ન થયા. આ રોડ ક્યૂટ-સ્વચ્છ છે. પેવર બ્લૉક મઢેલો છે. સાંજ પડ્યે અહીં જોબનિયું છલકાય છે. નાનાં છોકરાઓની ચડ્ડી પહેરીને માથે પોતાનાં કરતાં દસેક વર્ષ નાનાં ભાઈનું ટૂંકું ટી-શર્ટ પહેરીને ટીનેજર્સ છોકરીઓ અને યુવતીઓ અહીં ટહેલતી જોવા મળે છે. બસ, એ અહીંનું આકર્ષણ. એટલાંથી તમે પાણી-પાણી થઈ જતાં હોવ તો અહીં અવશ્ય આવવું. એ સિવાય અહીં શું છે? મોંઘીદાટ બ્રાન્ડસનાં મોટાં-મોટાં શો રૂમ્સ. આ બધી બ્રાન્ડસ ગુજરાતનાં લગભગ તમામ મહાનગરોમાં જોવા મળે છે. એમ. જી. રોડનાં જીવંત વાતાવરણ સિવાય ખાસ કશું અંજાવા જેવું લાગ્યું નહીં. મને સિક્કિમનાં ગંગટોકનો એમ.જી. રોડ યાદ આવી ગયો. આહા… શું જબરદસ્ત કલ્ચર, મસ્ત ઠંડી અને સ્થાનિક વસ્તુઓનું બજાર. ઉમટતાં પર્યટકો અને મોજેમોજ.
એમ.જી. રોડ, કમર્શિયલ માર્કેટે નિરાશ કર્યા. પણ બેન્ગ્લોર-કર્ણાટકનું બીજું ઘણુંબધું એવું છે- જેણે અમને ખુશખુશાલ કરી દીધાં, આજીવન સ્મરણમાં રહે તેવાં અવિસ્મરણીય સંભારણા આપ્યા. એ બધાંની વાત નેકસ્ટ વીકમાં.