રાજકોટમાં બાગેશ્ર્વરધામના પીઠાધીશ્ર્વર ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી ફરી સનાતનનો નાદ ગુંજતો કરશે
ત્રણ દિવસીય ધાર્મિક આયોજનમાં દિવ્ય દરબારનું ભવ્ય આયોજન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર આગામી જૂન મહિનામાં એક વિશાળ આધ્યાત્મિક અને ધાર્મિક મહોત્સવનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. દેશ-વિદેશમાં સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા બાગેશ્ર્વરધામના પીઠાધીશ્ર્વર ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી આગામી તા. 5, 6 અને 7 જૂનના રોજ બીજીવાર રાજકોટ પધારી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં દરરોજ સાંજે 7:30 વાગ્યે ‘સનાતન સેતુ હનુમંત કથા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષ બાદ રાજકોટમાં યોજાઈ રહેલા આ ઐતિહાસિક કાર્યક્રમને લઈ આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હાલમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ આયોજન અંગે માહિતી આપતા આયોજન સમિતિના અધ્યક્ષ કિશોરભાઈ ખંભાયતા (ડુનેક્ષ)એ જણાવ્યું હતું કે, સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ, રાષ્ટ્રભાવના અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ જનજન સુધી પહોંચે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કથા સાથે દિવ્ય દરબારનું પણ આયોજન થશે, જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. આયોજકોના જણાવ્યા મુજબ, રેસકોર્સ મેદાનમાં ભાવિકો માટે વિશાળ બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પાણી, સુરક્ષા અને અન્ય જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. રાજકોટ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો આ કાર્યક્રમમાં જોડાઈ ધર્મ-ભક્તિ અને આધ્યાત્મિકતાનો લાભ લઈ શકે તે માટે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિએ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને આ આધ્યાત્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં જોડાવા અનુરોધ કર્યો છે. કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે સંપર્ક નંબર 7600 65 65 65 જાહેર કરવામાં આવ્યો છે.
બાગેશ્ર્વરધામ: શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર
- Advertisement -
બાગેશ્ર્વર ધામ મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું પ્રખ્યાત આધ્યાત્મિક સ્થાન છે, જે સ્વયંભુ બાલાજી હનુમાનજીની દિવ્યતા માટે દેશ-વિદેશમાં ઓળખાય છે. અહીં યોજાતા દિવ્ય દરબારમાં બાબા બાગેશ્ર્વર તરીકે જાણીતા ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી લોકોની અરજીઓ સાંભળી માર્ગદર્શન અને આધ્યાત્મિક ઉપચાર આપતા હોવાનું માનવામાં આવે છે. બાગેશ્ર્વરધામ માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમાજસેવાના અનેક ક્ષેત્રોમાં પણ સક્રિય છે. ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી દ્વારા પાંચ મહત્વપૂર્ણ સંકલ્પો પર કાર્ય ચાલી રહ્યું છે, જેમાં હોસ્પિટલ, ગરીબ દીકરીઓના સમૂહલગ્ન, ગાય સંરક્ષણ, વૈદિક ગુરુકુલ અને અન્નપૂર્ણા ભોજનાલયનો સમાવેશ થાય છે.



