નવી સક્રિય સીસ્ટમથી વધુ વરસાદની આગાહી: ઓરેન્જ એલર્ટ
ભરૂચનાં વાલીયામાં 14 કલાકમાં 12 ઈંચ: સોનગઢ – વ્યારામાં 10 ઈંચ: અંબિકા – પૂર્ણા નદીમાં ઘોડાપુર: વાલ્મીકી નદીમાં ફસાયેલા લોકોને હેલીકોપ્ટરથી એરલીફટ કરાયા
અમદાવાદમાં આખી રાત વરસાદ વરસ્યો: તાપી, સુરત, નવસારી, વડોદરા, આણંદ, ગાંધીનગર સહીતનાં તમામ જીલ્લામાં મેઘસવારી: 183 તાલુકામાં વરસાદ ગુજરાતમાં ત્રણેક દિવસ રાહત મળ્યા બાદ ફરી વખત મેઘરાજાએ ધમરોળવાનું ચાલુ કર્યું હોય તેમ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સટાસટી બોલાવી છે.નદી-નાળાઓ છલકાવા સાથે પાણી શહેરોમાં ઘુસતા જળબંબાકારની હાલત સર્જાઈ હતી. મકાનોમાં પાણી ઘુસતા સેંકડો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
- Advertisement -
ગુજરાતમાં ચોમાસાની નવી સીસ્ટમ સક્રિય થવા સાથે ફરી મેઘસવારી શરૂ થઈ છે. દક્ષિણ તથા મધ્ય ગુજરાતનાં જીલ્લાઓમાં જોર વધુ છે.સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયા હવામાન સાથે માહોલ બંધાયો છે અને હળવો-વરસાદ રહ્યો છે.
રાજયમાં છેલ્લા 24 કલાક દરમ્યાન ભરૂચ, તાપી, ડાંગ, ખેડા, નર્મદા પંથમ પાણી-પાણી થયા હતા. ભરૂચનાં વાલીયામાં આભ ફાટયુ હોય તેમ 14 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબકયો હતો સમગ્ર શહેરમાં જળબંબાકારની હાલત સર્જાઈ હતી. મકાનોમાં પાણી ઘુસતા લોકો પરેશાન થયા હતા. આ સિવાય તાપીનાં સોનગઢમાં 10 તથા વ્યારામાં 9 ઈંચ વરસાદ પડયો હતો.સુરતના માંગરોળ તથા ડાંગના વધઈમાં 8-8 ઈંચ વરસાદ થયો હતો.ભરૂચ શહેર સાડાસાત ઈંચ વરસાદથી જળબંબાકાર બન્યુ હતું. અમદાવાદ, મહેસાણા, વડોદરા, પંચમહાલ, આણંદ, પાટણ સહીતનાં જીલ્લાઓમાં મેઘસવારી હતી.
સ્ટેટ ઈમરજન્સી સેન્ટરનાં રીપોર્ટ પ્રમાણે રાજયનાં 34 તાલુકામાં 4 ઈંચ કરતાં વધુ વરસાદ હતો 18 તાલુકામાં 3 થી 4 ઈંચ વરસાદ હતો. બાકી કુલ 183 તાલુકામાં ઝાપટાથી માંડીને ભારે વરસાદ હતો. રાજયના તાપી અને ડાંગ જીલ્લામાં 10 કલાકમાં 8 ઈંચ વરસાદથી નદીઓ ગાંડીતુર બની હતી અને 350 થી વધુ લોકોને રેસ્કયુ કરાયા હતા વાલ્મીકી નદીમાં ફસાયેલા બે લોકોને હેલીકોપ્ટરથી એરલીફટ કરાયા હતા. અંબીકા તથા પૂર્ણા નદીમાં પણ ઘોડાપુર આવ્યા હતા.
- Advertisement -
દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ગઈકાલથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો. ત્યારે પાણી ભરાવાથી 153 રસ્તા બંધ થઈ ગયા હતા.સુરત જીલ્લામાં પણ પંચાયતનાં 16 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. ચીખલી પંથકમાં તોફાની પવન ફુંકાતા 8 થી 10 મકાનોના પતરા ઉડયા હતા અને શેડ પડી ગયા હતા. હવામાન વિભાગ દ્વારા રાજયભરમાં વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અને વિવિધ જીલ્લાઓ માટે ઓરન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.