100 મીટર કે તેથી વધુની ઉંચાઈ ધરાવતા આકાશી પ્રોજેકટ
સૌથી વધુ 25 સ્કાયસ્ક્રેપર પ્રોજેકટ માત્ર અમદાવાદમાં: 30 માંથી 20 ગગનચુંબી ઈમારત રેસિડેન્સીયલ ક્ષેત્રની છે
- Advertisement -
ગુજરાતમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં જબરજસ્ત ધમધમાટ વચ્ચે ગગનચુંબી ઈમારતોનાં નિર્માણનો પણ ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા એમ ચાર મોટા શહેરોમાં 100 મીટર કે તેથી વધુ ઉંચાઈની 30 ગગનચૂંબી ઈમારતોને મંજુરી આપવામાં આવી છે. રાજય સરકારનાં કહેવા પ્રમાણે ઉંચી ઈમારતોનાં નિર્માણ માટે રાજય સરકારે મે 2021 માં નવી નીતિ ઘડી હતી અને તે પછી ગગનચુંબી બિલ્ડીંગોની 30 દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી તે પૈકી 20 રેસીડેન્સીયલ પ્રોજેકટ હતા આ સિવાય સાત કોમર્શીયલ બીલ્ડીંગ, બે મિકસ્ડ ઉપયોગ હેતુવાળા તથા એક સરકારી ઈમારતનો સમાવેશ થાય છે.
સૌથી વધુ 25 ગગનચુંબી ઈમારતો અમદાવાદમાં આકાર પામશે જયારે સુરત તથા ગાંધીનગરમાં બે-બે અને વડોદરામાં એક પ્રોજેકટ છે.ગાંધીનગર ગીફટ સીટીમાં બે આસમાની ઈમારતોનું નિર્માણ થઈ જ ગયુ છે અને નેક 10 બાંધકામના વિવિધ તબકકે છે. ગુજરાતમાં 2013 સુધી મહતમ 70 મીટરની ઉંચાઈ સુધીની ઈમારતોને મંજુરી આપવામાં આવતી હતી. રાજયના સાર્વત્રિક ચોતરફી વિકાસ અંતર્ગત નીતિ-નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો હતો અને 100 મીટરથી વધુની ઉંચાઈ ધરાવતી ઈમારતો માટે પણ છૂટ આપવાનું જાહેર કરાયું હતું.
ગગનચુંબી ઈમારતો માટે વધુમાં વધુ 5.4 ની એફએસઆઈ (ફલોર સ્પેસ ઈન્ડેકસ) આપવાનું નકકી કરવામાં આવ્યું હતુ. 50 ટકા પ્રિમીયમ એફએસઆઈ માટે નિયમો ઘડવામાં આવ્યા હતા. જેનાથી બિલ્ડરોમાં આકર્ષણ હતું. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓનો પ્રિમીયમ એફએસઆઈ મારફત 100 કરોડની આવક મેળવી છે.
- Advertisement -
ગગનચુંબી ઈમારતોની દરખાસ્તો ચકાસવા માટે રાજયનાં શહેરી વિકાસ વિભાગનાં પ્રિન્સીપાલ સેક્રેટરીનાં વડપણ હેઠળ ખાસ ટેકનીકલ કમીટીનું ગઠન કરવામાં આવ્યું જ છે અને તેના દ્વારા જ પ્રોજેકટોને મંજુરી આપવામાં આવે છે.