દસ વર્ષ પહેલા જૈનુલભાઈ અને તેમના પત્ની માત્ર 5 હજારમાં નોકરી કરતા હતા તો ટૂંકાગાળામાં આટલી સંપત્તિ કઈ રીતે આવી? જો પોલીસ તપાસ થાય તો અનેક કૌભાંડો બહાર આવી શકે
પોતાના મળતિયા દ્વારા ફરિયાદીને ડરાવી ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતો એજાઝ કાદરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના કાજરડા ગામનો તલાટી મંત્રી એજાઝહુસૈન મહંમદઈકબાલ કાદરી અને પ્રહલાદસિંહ ચુડાસમા વિરુદ્ધ વ્યાજ વસૂલી, જાનથી મારી નાખવાની ધમકી, જમીન પચાવી પાડવા સહિતની ફરિયાદ થઈ છે. ફરિયાદી ઈલ્મુદીન બાદીએ એજાઝ કાદરીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા કલેક્ટર અને એસપીના માધ્યમથી ગૃહ તથા મહેસૂલ મંત્રીને રજૂઆત કરી છે. ક્રિમીનલ માઈન્ડ ધરાવતા તલાટી મંત્રી એજાઝ કાદરી વિરુદ્ધ અનેક જગ્યા પર ગુના નોંધાયા છે. વાંકાનેર તાલુકાના મહિકા ગામના વતની અને સુરત આયુર્વેદિક ગૃહ ઉદ્યોગ ચલાવતા યુવાને ખેતીની જમીનના કાગળો ગીરવે મૂકી 5 ટકા વ્યાજે લીધેલા રૂપિયા 30 લાખના બદલામાં રૂપિયા 45 લાખ માંગી વાંકાનેર અને અમદાવાદના વ્યાજખોરોએ ખેતીની જમીન અને 10 લાખની કાર પડાવી લેતા યુવક ઇલ્મુદીન બાદીએ ન્યાય માટે સરકાર સમક્ષ આજીજી કરી છે. કાજરડા ગામનો તલાટી મંત્રી એજાઝહુસૈન મહંમદઈકબાલ કાદરી બેનામી સંપત્તિનો બાદશાહ છે વ્યાજે પૈસા આપી અને જમીન લખાવી લેવી તેનો મૂળ ધંધો છે. લોકોને ધામક ધમકી આપી પૈસા પચાવી લેવા, વ્યાજ વટાવ અને લાંચ દ્વારા અઢળક સંપત્તિનું સર્જન કર્યું છે. આ સંપત્તિ તેના મળતિયાઓ, પરિવાર તથા તેની પત્નીના નામે છે. સાથે જ તેનો ખાસ સાગરિત કહેવાતો જૈનુલભાઈ ગાજીભાઈ મુમના પાસે પણ એજાઝ કાદરીનું કાળું નાણું છૂપાયેલું છે.
કોઈ તલાટી મંત્રી પાસે ન હોય એટલી સંપત્તિ કાદરી પાસે વડોદરા, ઉજ્જૈન અને ભોપાલમાં મોટું રોકાણ
પોલ્ટ્રી ઉદ્યોગમાં કાદરીનું મોટાપાયે રોકાણ
જૈનુલભાઈ ગાજીભાઈ મુમનાના બેન્ક એકાઉન્ટ બે નંબરના નાણાંથી છલોછલ
- Advertisement -
વાંકાનેરના યુવકે કાજરડા ગામના તલાટી મંત્રી એજાઝ કાદરી અને પ્રહલાદસિંહ ચુડાસમા પાસેથી 5 ટકા વ્યાજે 30 લાખ લીધા હતા જેના બદલામાં યુવકે 27 લાખ વ્યાજ ચૂકવ્યું છતા કાદરીએ 90 લાખની જમીન પચાવી લીધી
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતો વહીવટદાર જૈનુલભાઈ ગાજીભાઈ મુમના, તેની પત્ની 10 વર્ષ પહેલા ખાનગી શાળામાં 5 હજારમાં નોકરી કરતા હતા. આજે તેના બેન્ક એકાઉન્ટ એજાઝ કાદરીના બે નંબરી નાણાથી છલકાય છે. જૈનુલભાઈના પિતા ગાજીભાઈ મુમના ચંદ્રપુર ગામમાં સસ્તા અનાજની દુકાન ધરાવે છે અને મધ્યમવર્ગીય પરિવાર છે તેની સંપત્તિમાં ટૂંકાગાળામાં થયેલ અઢળક વધારો ભારે આશ્ચર્ય પમાડે તેવો છે તેની તપાસ થાય તો અનેક ગેરરીતિ સહિતના કૌભાંડો બહાર આવી શકે. એજાઝ કાદરીનો સાગરીત થયા પછી જૈનુલભાઈ મુમનાએ અનેક જમીનો ખરીદી કરોડોપતિ થઈ ગયો છે. તેનો રૂઆબ ભલભલા ઉદ્યોગપતિને ઝાંખા પમાડે તેવો છે એજાઝ કાદરીના કાળા ધોળાના રખેવાળ એવા જૈનુલભાઈ મુમનાને જો પોલીસની ભાષામાં તપાસ કરવામાં આવે તો હાલ દસ પંદર દિવસથી ફરાર એજાઝ કાદરીનું ખરૂં લોકેશન મળી શકે છે અને તેના બેનામી વ્યવહારોની પણ પોલ ખુલી શકે છે. તેવું અરજદારની અરજીમાં જણાવાયું છે.
શું જાનથી મારી નાખશે પછી કલેક્ટર અને એસપી એક્શન લેશે?
ફરિયાદીએ જ્યારે એજાઝ કાદરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તે 20 દિવસ બાદ લેવામાં આવી. તલાટી મંત્રી સામે એફઆઈઆર પણ થઈ. પરંતુ એક્શન ક્યારે લેવાશે? આ તો ફક્ત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો શું કલેક્ટર અને એસપી મર્ડરની રાહ જોઈ રહી છે કે હત્યા થાય ત્યારબાદ હથિયાર પરવાનો રદ અને હથિયાર જપ્ત કરશે?
તલાટી મંત્રીને હથિયારની શું જરૂર? છતાં એજાઝ કાદરી પાસે રિવોલ્વર અને એક બારનો જોટો
ક્રિમીનલ માઈન્ડ ધરાવતા તલાટી મંત્રી એજાઝ કાદરી રાજ્ય સેવક તરીકે કોઈ નીતિનું પાલન કરતો નથી. શું તલાટી મંત્રીને હથિયારની જરૂર પડે? તેની પાસે એક રિવોલ્વર અને એક બાર બોરનો જોટો છે. એજાઝ કાદરી વ્યાજ વટાવનો ધંધો કરતો હોવાથી લોકોને ધાક ધમકી અને ડરાવવા માટે જ હથિયારનો ઉપયોગ કરે છે. તેની પરવાનાવાળી રિવોલ્વરથી જ ફરિયાદી ઈલ્મુદીન બાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જૈનુલભાઈ મુમનાના નામે અનેક સંપત્તિ
વાંકાનેરના ચંદ્રપુર ગામે બિનખેતીની જગ્યા જેનો મૂળ માલિક એજાઝ કાદરી
કલાવડી ગામે પણ 5 એકરની જમીન જૈનુલભાઈ મુમનાના નામે
એજાઝ કાદરી ગુનાઇત ઈતિહાસ ધરાવે છે તો તે તલાટી મંત્રી પદ પર રહી શકે?
તલાટી મંત્રી એજાઝ કાદરી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે તેની સામે એફઆઈઆર પણ થઈ છે તો શું તે તલાટી મંત્રી પદ પર રહી શકે? તાત્કાલિકપણે જિલ્લા કલેક્ટરે આ કેસમાં અંગત રસ લઈ એજાઝ કાદરીને ડિસમીસ કરીને સમાજને ઉદાહરણ આપવું જોઈએ કે, નાગરિક હોય કે સરકારી સેવક કાયદા તમામ માટે સમાન છે. એજાઝ કાદરી પાસે સંપત્તિ ક્યાંથી આવી તેની તપાસ કરે તો કેટલાક કૌભાંડોનો ભાંડો ફૂટી શકે. અત્યાર સુધીમાં અનેક ગરીબ પરિવારોને વ્યાજે પૈસા આપી ધામ ધમકીથી વધુ વ્યાજ વસૂલી કરી કેટલાકની જિંદગી બરબાદ કરી નાખી છે તેની આખી કુંડળી બહાર આવી શકે.
મોરબીના માળિયા મીયાણાના કાજરડા ગામના તલાટી મંત્રી એજાઝ કાદરીએ કોઈને ધમકી આપતો હોય અથવા તેના વિરુદ્ધ કોઈપણ ફરિયાદ હોય તો ‘ખાસ-ખબર’ કાર્યાલય:- શિવ પ્રકાશન, પહેલો માળ, કોર મોબાઈલની ઉપર, એપલ બાઈટની સામે, એસ્ટ્રોન ચોક, રાજકોટ. મો. નં. 76982 11111 પર સંપર્ક કરવો.