સરદાર પટેલ, ગાંધીજી, ભગતસિંહ સહિતના સ્વતંત્ર વીરોની વેશભૂષામાં કલાકારો સહિત મહાનુભાવો અને નગરજનો રેલીમાં જોડાયા: રાજમાર્ગો પર ઠેર ઠેર ‘એકતા પદયાત્રા’નું સ્વાગત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી અંતર્ગત રાજકોટ શહેર 69 વિધાનસભા વિસ્તારની પદયાત્રાનું ભવ્ય આયોજન બહુમાળી ભવન ચોક સરદાર પટેલના સ્ટેચ્યુ ખાતેથી કરવામાં આવ્યું હતું. ધારાસભ્યો, સાંસદ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત પદયાત્રાનો પ્રારંભ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ, સરદાર પટેલના સ્ટેચ્યુને ફુલહાર પહેરાવી ’એકતા’ ના શપથ સાથે કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે મેયર નયનાબેન પેઢડીયાએ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેઓએ રાજકોટ સહીત દેશના શહેરો સ્વચ્છ સુંદર નિર્મળ અને વિકસિત બનાવી વિકસિત ભારત બનાવીએ, તેવી સૌ નગરજનોને અપીલ કરી હતી.
ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે અખંડ ભારતના નિર્માણમાં બહુમૂલ્ય યોગદાન આપનાર સરદાર પટેલને યાદ કરી સૌ ભારતીયોએ એકતા દ્વારા સર્વોપરિ રાષ્ટ્ર બનાવવાની લાગણી સૌએ વ્યક્ત કરી હતી. ધારાસભ્યો સર્વ ઉદયભાઇ કાનગડ, રમેશભાઈ ટીલાળા, સાંસદ રામભાઈ મોકરીયા સહિત સૌ મહાનુભાવોએ બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરી મંચ પરથી યુનિટી ફ્લેગ દેખાડી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર રૂટ પર રેલીનું વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય સ્વાગત તેમજ રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ, મહાનગરપાલિકા, પોલીસ, આરોગ્ય સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો.



