જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનનું અશોભનીય વર્તન: વિકાસના કામો અટકાવાતા હોવાના આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા ક્ધિનાખોરી ભર્યા તેમજ મનસ્વી વર્તન રાખી વિકાસના કામો અટકાવી રાખવા બાબતેની કામગીરી કરવા બદલ અને તેમની સામે પગલાં લેવા તેમજ તેમની તાત્કાલિક બદલી કરવા સરપંચ પરિષદ ગુજરાત દ્વારા જૂનાગઢ કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.
આવેદન પત્રમાં જણાવાયું છે કે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત જૂનાગઢ નીતિન સાંગવાન દ્વારા જૂનાગઢ જિલ્લામાં સમાવિષ્ટ તમામ તાલુકાની ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યથી લઈને સાંસદ સુધીના ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિ ભ્રષ્ટ છે તેવું માની તેમના દ્વારા અધિકારી વર્ગ-1ને શોભે નહીં તેવું ગેરવર્તન અને મનઘડત નિયમોનું અર્થઘટન કરી ગામોમાં કરવાના થતાં વિકાસના કામો સંપૂર્ણપણે નકારાત્મક અભિગમ રાખી અટકાવવામાં આવે છે. માત્ર પોતે એક જ ઈમાનદાર હોવાનું પ્રસ્થાપિત કરવા માટે તેની તાબા હેઠળ સરકારના તમામ કર્મચારીથી માંડી અધિકારી ભ્રષ્ટ છે તેવું પ્રતિપાદિત કરવા માગે છે જેની સામે અમો સખત વિરોધ નોંધાવીએ છીએ અને તેની સામે પગલાં લેવા રજૂઆત કરાઈ છે.
- Advertisement -
જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત જૂનાગઢ નીતિન સાંગવાન દ્વારા પોતાનો અહમ સંતોષવા માટે તેમના વિરુદ્ધની રજૂઆત કરનારની સામે તપાસ બેસાડવી, સરપંચોને કાર્યવાહી કરવાની ધમકીઓ આપવી, પદાધિકારી તથા કર્મચારીની સામે તોછડું વર્તન કરવું આ બાબતનો અમો સખત વિરોધ કરવામાં આવ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત જૂનાગઢ નીતિન સાંગવાન દ્વારા સરકાર દ્વારા નિયત કરેલા માપદંડ મુજબની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી લાયકાતના આધારે સરકારી સેવા- નોકરીમાં દાખલ થાય છે એવા નવનિયુક્ત વર્ગ-3ના કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપી તેમને પ્રોત્સાહિત કરી વહીવટને પારદર્શક અને સુચારુ બનાવવાની જવાબદારીને બદલે તેઓની વહીવટી કામગીરીમાં જાણકારીના અભાવે બિનઈરાદાપૂર્વકની ભારે નોટીસ આપવી, પગાર કાપી લેવા અને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરી ડી.ડી.ઓ. પોતાને સરકાર તરફથી મળેલી સત્તાનો દુરુપયોગ કરે છે.
જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત જૂનાગઢ નીતિન સાંગવાન દ્વારા જિલ્લામાં આવેલા તાલુકાઓના ગામોમાં વિઝીટ દરમિયાન સંબંધિત ગ્રામ પંચાયતોના સરપંચ, સંબંધિત સમિતિઓના ચેરમેન અને હાજર હોય તેવા ગામના વરિષ્ઠ ગ્રામજનો સાથે જિલ્લા – તાલુકા પંચાયતોના સદસ્યોને સાંભળવામાં આવતા નથી માત્ર પોતાને અનુકુળ હોય તેવી સૂચનાઓ આપી બધાની સાથે ગેરવર્તન કરે છે. નીતિન સાંગવાન દ્વારા છેલ્લા બે વર્ષથી વિકાસના કામોમાં જરૂરિયાતો મુજબ જી.ઈ.એમ. (ઝેમ) દ્વારા કામોને મંજૂરી મેળવવાની, આપવાની થાય છે જે મંજૂરીઓ સમયસર મેળવવામાં – આપવામાં આવતી નથી, જે બાબતે સમયસર મંજૂરી મેળવવા- આપવા ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતો દ્વારા ડી.એલ.જી.સી. સમિતિએ સ્પેસીફીકેશન મુજબ માન્યતા આપવા રજૂઆત કરવા છતાં મંજૂર કરવામાં આવતા નથી જે ત્રિસ્તરીય પંચાયતીરાજના નિયમો સાથે સુસંગત નથી. આ ઉપરાંત જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા જે તે સમયે જરૂરત મુજબના કામોની રજૂઆત કરેલી હોય અને મંજૂર થયેલા હોય તેવા છતાં છેલ્લા ત્રણ વર્ષ પહેલાં મંજૂર કરેલા કામો જેમાં રોડ-રસ્તાના કામો, નાલા-પુલીયાના કામો, સી.સી.રોડના કામો, રીસર્ફેસીંગના કામો અવારનવાર રજૂઆતો કરવા છતાં ચાલુ કરવામાં આવેલા નથી. ઉક્ત બાબત રજૂઆત ધ્યાને લઈ સત્વરે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત જૂનાગઢ નીતિન સાંગવાન સામે જરૂરી પગલાં લઈ ગામોના વિકાસના કામો પુન: શરૂ કરવા પંચાયતીરાજને મજબૂત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા અને તેની બદલી કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.