GIDC વિસ્તારના અંતરિયાળ ગોડાઉનમાં અનાજ દળવાની ઘંટી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા સરકારી અનાજના કાળાબજારનું મસમોટું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે જેમાં સરકારી અનાજને ખરીદી કરી બાદમાં અનાજ દળી તેમાંથી લોટ બનાવી પેકિંગ વેચાણ કરાય છે. સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતું સસ્તું અનાજ આ પ્રકારના લેભાગુ લોકો દ્વારા સસ્તાભાવમાં ખરીદી કરી ગરીબોના ભાગનું અનાજ બરોબર ઓળવી જતા હોય છે. ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર મૂળી પંથક સહિત રતનપર, જોરાવરનગર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં આવેલી સસ્તા અનાજની દુકાન ધારકો અને ફેરિયા વાળા પાસેથી સસ્તા ભાવે કાળા બજારમાં અનાજ ખરીદી કરી શેખપર નજીક આવેલી જીઆઇડીસીમાં એક અંતરિયાળ ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો ખાલી કરવામાં આવે છે જેમાં આ સરકારી અનાજને દળવા માટે ઘંટી લગાવેલી છે જેમાંથી અનાજને દળી નાખવાથી સરકતી હોવાનો પુરાવો પણ નષ્ટ કરી દેવાય છે જે બાદ સરકારી અનાજના લોટનું પેકિંગ કરી વેચાણ કરાય છે.
- Advertisement -
આ પ્રકારે છેલ્લા અનેક વર્ષોથી સરકારી અનાજનું કાળા બજાર ચાલી રહ્યું છે પરંતુ જીઆઇડીસીમાં આવેલું આ ગોડાઉન એટલા અંતરિયાળ સ્થળે રાખવામાં આવ્યું છે કે ત્યાં પહોંચવું તંત્ર માટે લગભગ અશક્ય છે. જેથી અહીં ખુલ્લેઆમ ચાલતા સરકારી અનાજને દળવાના આખાય કાંડને પર પાડવામાં આવે છે. ત્યારે વર્ષોથી ચાલતા આ પ્રકારના કાળા બજારને લીધે સરકારમાંથી ગરીબોને મળતું અનાજ લાભાર્થી સુધી પહોંચી શકતું નથી અને બરોબર આ લેભાગુ લોકો સસ્તા ભાવે સરકારી અનાજ ખરીદી દળવાની પ્રોસેસ કયા બાદ દર મહિને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. ત્યારે તંત્રે પણ આ પ્રકારનું સરકારી અનાજના કૌભાંડ આચરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવી હવે જરૂરી બની છે.



