વર્ષ 1990થી દર વર્ષે વિનામૂલ્યે અવનવી ધજા બનાવી આપે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક દ્રષ્ટિએ અનેરૂ મહત્વ ધરાવે છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય છે. ઋષિપાંચમની વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળીયાદના મહંત શ્રી દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. વર્ષ 1990થી આજદિન સુધી 34મી ધજા સુરેન્દ્રનગરના બહુચર હોટલ પાસે આવેલી પેનો રામા ટ્રેઈલર્સ વાળા તૈયાર કરે છે. આ ધજા પ્રફુલભાઈ કાનજીભાઈ સોલંકી પરિવાર દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને નિ:શુલ્ક અર્પણ કરવામાં આવે છે. ધજા તૈયાર કરનાર પ્રફુલભાઈ દરજીના પુત્ર કેયુરભાઇ દ્વારા જણાવાયું હતું કે, વર્ષ 1971માં તેઓના પિતા એટલેકે પ્રફુલભાઈ ત્રણ મિત્રો સાથે તરણેતરના મેળામાં ગયા હતા. તે સમયે મેળામાં ભયંકર વરસાદના કારણે પુર આવતાં પ્રફુલભાઈ દ્વારા વરસાદ બંધ થવા મટે ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા અર્પણ કરવનો સંકલ્પ કર્યો હતો. પ્રફુલભાઈનો આ સંકલ્પ વર્ષ 1990માં પૂર્ણ થયો. વર્ષ 1990માં પ્રફુલભાઈ ધજા તૈયાર કરીને પાળીયાદ ખાતે મહંત અમરાબાપુને મળી પોતે લીધેલા સંકલ્પ અંગેની વાત કરી હતી જ્યારે પાળીયાદના મહંત દ્વારા પ્રફુલભાઈની વાતનો સહર્ષ સ્વીકાર કરી ઋષિ પંચમીના દિવસે તેઓના પરિવાર દ્વારા તૈયાર કરાયેલી ધજા ત્રિનેત્રેશ્વર મહાદેવને ચડાવવામાં આવી હતી.
- Advertisement -
52 ગજની ધજા તૈયાર કરવા અંગેની વાત કરતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે ધજા તૈયાર કરવા માટે આઠથી દશ લોકોની ટીમ દ્વારા સતત 25થી 30 દિવસ સુધી મહેનત કરીને ધજા બનાવવામાં આવે છે. કેયૂરભાઈના મોટા બહેન રામેશ્વરીબેન વ્યવસાયે આર્કિટેક એન્જિનિયર છે. જે તેઓને ધજાના નુમના બનાવીને આપે છે. ત્યારબાદ ટીમ દ્વારા ધજા તૈયાર કરવામાં આવે છે. અમે અત્યાર સુધીમાં નંદી, ઓમ, હર હર મહાદેવ, ત્રિનેત્રેશ્વર મહાદેવ, ત્રિશુલ, હેન્ડ વર્કમાં ઓમ નમ: શિવાય સહિતની વિવિધ થીમો પર ધજા બનાવી ચૂક્યા છીએ. આ વર્ષે કેસરી કાપડમાં ચંપા ફૂલની ડિઝાઇનમાં વાદળી રંગમાં ઓમની ધજા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત કેયુરભાઈ દ્વારા સોમનાથ, દ્વારકા, કબરાઉ, ભોળાદ, ભાયલા, મુળી માંડવરાયજી મંદિર સહિતના વિવિધ તીર્થ સ્થાનોમાં ધજા તૈયાર કરીને આપવામાં આવી છે. વધુમાં તેઓ 20 વર્ષથી હનુમાન જયંતી, ચૈત્ર સુદ પૂનમના દિવસે રણમાં વાછડાદાદાના મંદિરે પણ નિ:શુલ્ક ધજા આપે છે.