માલ ક્યાંથી ખરીદ્યો, દારૂ બનાવીને કોને આપવાનો હતો ? અન્ય કોણ કોણ સંડોવાયેલા છે ? તે સહિતની દિશામાં તપાસનો ધમધમાટ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના રફાળેશ્વર નજીક નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી ચલાવતા 11 આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓના કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજુર કરી આપતા હવે એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં દરોડો પાડીને નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે પાડેલા દરોડામાં મુખ્ય સૂત્રધાર સુરેશકુમ આત્મારામ ડુકીયા (રહે. સીરસા, હરીયાણા) હાજર નહીં મળી આવતા ફરાર દર્શાવી અન્ય આરોપી બિશ્ર્વજીત સાદુરામ રામસહાય જાટબ, ચન્દ્રપકાશ હેતરામ રામદયાલ જાટબ, રીંકુ શિવપાલ રગુનાથ કશ્યપ, રંજીત રોહનલાલ રામસાહય જાટવ, રાજકુમાર અઝઝુદીલાલ કેસરી, રવિ જયરામ કોમીલ જાટબ, લીલાધર ધરમપાલ મેવારામ જાટબ, નિલેશ ગજેન્દ્રપાલ નોખેલાલ રાઠોડ, ધર્મેન્દ્ર જંગબહાદુર નથ્થુ કશ્યપ, સચીનકુમાર સન્તરામ રામઅંજોર કોરી અને બલવાનસિંહ દોલતસિંહ કમોતસિંહ ચૌહાણને ઝડપી લીધા હતા. આ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સચિન શાંતારામ, બીશ્વજીત સાધુરામ અને લીલાધર ધરમપાલ નામના આ ત્રણ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે ત્યારે હવે એલસીબી ટીમ આ આરોપીઓએ વસ્તુઓ ક્યાંથી ખરીદી, ક્યાં માલ દેવાનો હતો, બીજા આરોપી કોણ છે ? સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે.