દિવાળી સુધી ભાવમાં ઘટાડાની શક્યતા ઓછી
બે દિવસમાં ડુંગળીના ભાવમાં રુ. 20નો વધારો: આવકમાં ઘટાડો થતાં ભાવમા થયો વધારો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદમાં ડુંગળીનો પ્રતિ કીલોનો ભાવ રુ.100 થયો છે. જેમાં બે દિવસમાં ડુંગળીના ભાવમાં રુ. 20નો વધારો થયો છે. આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. તેમજ દિવાળી સુધી ભાવમાં ઘટાડાની શક્યતા ઓછી છે. સામાન્ય દિવસોમાં પ્રતિ કીલોનો ભાવ રુ. 15-20 હતો. જેમાં હવે ગરીબોની કસ્તુરી ડુંગળી અમીરદારોને પણ રડાવી રહી છે.
ગુજરાતના વિવિધ શહેરોમાં ડુંગળીના ભાવ પ્રતિકીલોએ રૂપિયા 100 થયો છે. જેમાં બે દિવસમાં જ ડુંગળીના ભાવમાં રૂ.20 નો વધારો છે. સામાન્ય દિવસોમાં 15 થી 20 રૂ.કિલોએ મળતી ડુંગળીના ભાવ આસમાને છે. ડુંગળીની આવકમાં ધરખમ ઘટાડો થતાં ભાવમાં ભડકો થયો છે. દિવાળી સુધી ડુંગળીના ભાવમાં ઘટાડાની શક્યતા નહિવત છે. ગરીબોએ સસ્તી ડુંગળી લેવા રાહ જોવી પડશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડુંગળીના ભાવમાં છેલ્લા 15 દિવસથી થઈ રહેલા સતત વધારાને કારણે ડુંગળીના ભાવ બમણા કરતાં પણ વધુ થઈ ગયા છે. હજુ પણ આ ભાવ સતત વધશે તેવી ભીતી સેવાઈ રહી છે.
ખેડૂતો અને શાકભાજીના વેપારીઓ સહિત ગ્રાહકોમાં ડુંગળીના ભાવમાં ઓચિંતા વધારો કેમ થયો તેની ચર્ચા છે. સામાન્ય રીતે નવો ખરીફ પાક આવે તે પહેલાં ડુંગળીના ભાવમાં વધારો થતો હોય છે.પરંતુ ગ્રાહક સુરક્ષા મંત્રાલયના આંકડાઓ અનુસાર ગત વર્ષની સરખામણીએ ઑક્ટોબરના સમયગાળામાં ડુંગળીના ભાવ સરેરાશ 10 રૂપિયા વધુ છે. કેટલાંક રાજ્યોમાં ગત વર્ષની સરખામણીએ આ સરેરાશ ત્રણ ગણા થવામાં છે. ડિપાર્ટમેન્ટ ઑફ ક્ધઝ્યુમર અફેર્સના આંકડાઓ અનુસાર સમગ્ર દેશમાં ડુંગળીનો સરેરાશ જથ્થાબંધ ભાવ 26 ઑક્ટોબરે 3,112 રૂપિયે પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે જે ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં 2,506 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. ડુંગળીના ભાવ ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં વધારો થયો છે. કારણ કે ડુંગળી માટે દેશના મોટાભાગનાં રાજ્યો એકબીજા પર નિર્ભર છે. ત્યારે હોલસેલના વેપારીઓ જણાવી રહ્યાં છે આ ભાવ રૂપિયા 150 સુધી જઇ શકે છે.