ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના નઝરબાગ રેલ્વે સ્ટેશન પાછળ આવેલ બૌદ્ધનગરમાં પાણી ભરેલા ખાડામાંથી સાહિલ સંજયભાઈ શેખાણી (ઉં.વ. 17) અને જેશીંગ પ્રફુલભાઈ ધોળકિયા (ઉં.વ. 14) (રહે. બંને ધોળેશ્વર, વિશિપરા, મોરબી) ના મૃતદેહ મળ્યા હતા. આ અંગે ગઈકાલે સાંજના સમયે ફાયર ટીમને જાણ થતાં તેઓએ સર્ચ ઓપરેશન ચલાવી એકાદ કલાકની જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ બંને કિશોરો રવિવારે એલઇ કોલેજના ગ્રાઉન્ડમાં ક્રિકેટ જોવા ગયા હતા ત્યાં દેખાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા ત્યારબાદથી ગુમ થયા હોય પરિવારે શોધખોળ ચલાવી હતી જો કે રેલવે સ્ટેશન પાછળ તેમનું બાઇક મળી આવ્યું હતું.
આ ઉપરાંત પાણી ભરેલા ખાડામાં એક મૃતદેહ દેખાતો હતો જેથી ફાયર વિભાગને જાણ કરાઈ જતી જેને પગલે ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી જઈને એક કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને બાદમાં બીજા કિશોરનું સર્ચ ઓપરેશન હાથ ધરતા તેનો પણ મૃતદેહ મળી આવ્યો હતો જેથી બંનેના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.